મોરબી જિલ્લામાં ઘઉં-ચણાને બદલે રાઈ, જીરું અને વરિયાળીનું ધૂમ વાવેતર

- text


ગત વર્ષની તુલનાએ રવિ સીઝનમાં 2600 હેક્ટરનો ઘટાડો : હજુપણ કપાસ, મગફળી ઉપાડયા બાદ વાવેતર વિસ્તાર વધશે

મોરબી : સિરામીક હબ મોરબી જિલ્લામાં નર્મદા સિંચાઈ યોજનાનો લાભ મળતો હોય ખરીફ સીઝનની જેમજ રવિ સિઝનમાં પણ મોટાભાગના ખેડૂતોએ વાવેતર પૂર્ણ કરી લીધું છે છતાં પણ ઓણસાલ વરસાદના મોડા આગમનને કારણે હજુ પણ કેટલાક તાલુકાઓમાં મગફળીનો પાક ઉપાડવામાં આવતો હોય શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે. જોકે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષમાં ખેડૂતો ચણા, ઘઉં જેવા પરંપરાગત વાવેતરને બદલે ધાણા, વરિયાળી, જીરું, લસણ અને ડુંગળી જેવા પાકો તરફ વળ્યાં છે. નવેમ્બર માસના ત્રીજા અઠવાડિયા સુધીમાં જિલ્લામાં 36975 હેકટર જમીનમાં રવિ વાવેતર થઇ ચૂક્યું છે.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં વર્ષ 2021ની રવિ સીઝનમાં નવેમ્બર માસના ત્રીજા સપ્તાહ સુધીમાં પાંચેય તાલુકામાં કુલ 36975 હેકટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે.જણસી મુજબ વાવેતરના આંકડા જોઈએ તો 7170 હેક્ટરમાં ઘઉં, 10620 હેક્ટરમાં ચણા, 2458 હેક્ટરમાં રાઈ, 8950માં જીરું, 737 હેક્ટરમાં ધાણા, 1652 હેકટરમાં લસણ, 820 હેક્ટરમાં વરિયાળી, 1240 હેક્ટરમાં ડુંગળી, 993 હેક્ટરમાં શાકભાજી અને 2335 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ની રવિ સીઝનમાં આ સમયગાળામાં કુલ 39600 હેકટર જમીનમાં ખેડૂતોએ રવિ મોસમનું વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે વરસાદ મોડો થતા હજુ અનેક ખેડૂતોના વાવેતર બાકી હોય 2600 હેકટર જેટલું વાવેતર ઘટ્યું છે. સામન્યતઃ મોરબી જિલ્લામાં ખેડૂતો ઘઉં-ચણાનું વાવેતર વધુ કરતા હોય છે પરંતુ ઓણસાલ ઘઉંનું વાવેતર 2770 હેકટર અને ચણાનું 4500 હેકટર વાવેતર ઘટી ગયું છે સામે પક્ષે રાઈનું વાવેતર 2000 હેકટર વધ્યું છે એ જ રીતે વરિયાળી,ધાણા,લસણ ડુંગળી, શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text