અઠવાડિયામાં ચાર-ચાર હત્યાઓ સાથે મોરબીમાં ક્રાઇમરેટમાં ઉછાળો

- text


દેશી, વિદેશી દારૂ, જુગારના કેસ કરવામાં વ્યસ્ત પોલીસનો લાભ ઉઠાવતા ગુન્હેગારો

મોરબી : છેલ્લા એક મહિનામાં મોરબીમાં ગુન્હાખોરીનો ગ્રાફ સડસડાટ ઉંચો ચડ્યો છે. ખાસ કરીને મોરબીના નામચીન મમુદાઢી હત્યા કેસ બાદ સાત જ દિવસમાં ડબલ મર્ડર સહિત હત્યાના કુલ ચાર બનાવ નોંધાતા પોલીસ નિષ્ક્રિય બની છે કે પછી ગુન્હેગારો બેખોફ બન્યા છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસ હમણાં હમણાં જુગારીઓને પકડવામાં જ વ્યસ્ત બન્યાનું પણ દૈનિક ક્રાઈમ રિપોર્ટ ઉપરથી ફલિત થઈ રહ્યું છે.

મોરબી જિલ્લાની ગણના સમગ્ર રાજ્યમાં સુખી સંપન્ન અને શાંત જિલ્લામાં થાય છે અહીં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો અહીં રોજગારી માટે આવતા હોવા છતાં અન્ય જિલ્લાની તુલનાએ ક્રાઈમ રેટ નહિવત રહ્યો છે. પરંતુ છેલ્લા એકાદ મહિનામાં અહીં લૂંટ, વ્યાજખોરીના બનાવોની સાથે સાથે મારામારીના બનાવો સામાન્ય બન્યા છે ત્યારે ગત અઠવાડિયામાં નામચીન મમુદાઢીની હત્યા બાદ ક્રાઇમરેટમાં ઉછાળા વચ્ચે સાત દિવસમાં એક ડબલ મર્ડરની ઘટના સાથે ચાર હત્યાના બનાવો સામે આવ્યા છે જે પોલીસ નબળી પડી હોવાની વાતનો અણસાર આપે છે.

જો કે ગુન્હાઓના ભેદ ઉકેલવામાં માહેર મોરબી પોલીસે રાજ્યવ્યાપી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ઝડપી લઈ ગુન્હાના મૂળ સુધી પહોંચવામાં જરૂરથી સફળ થઈ છે પરંતુ પાછલા એક મહિનામાં ગણનાપાત્ર દારૂ જુગારના કેસો શોધવામાં વ્યસ્ત બનેલી પોલીસની વ્યસ્તતાનો લાભ ગુન્હેગારોએ બરાબરનો ઉઠાવ્યો છે.

- text

7 સપ્ટેમ્બરે મમુદાઢીની હત્યાની શાહી હજુ સુકાઈ તે પહેલાં જ પારકી પરણેતરને બિભિત્સ ઈશારા કરનાર શ્રમિકની કારખાનામાં છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનાના બે દિવસમાં જ ગઈકાલે હળવદમાં નજીવી બાબતે બબ્બે લોથ ઢળી જવા પામી હતી. એ જ રીતે લૂંટના પણ ઉપરા છાપરી બનાવો સામે આવ્યા છે ત્યારે હવે પોલીસ પોતાનું પોલીસત્વ બતાવે અને મોરબીની શાંતિ કાયમ જાળવી રાખે તે સમયની માંગ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text