મોરબી અપડેટ કોન્ક્લેવ સમાપન : આરોગ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સર્વસંમતિ સધાઈ

- text


મોરબીમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકો માટે મોબાઈલ સ્કૂલ-મોબાઈલ ક્લિનિકનો ડ્રિમ પ્રોજેક્ટનો વિચાર તરતો મુકાયો

મોરબી સિવિલ હોસ્પિટલમાં ખાનગી તબીબોને સેવા માટે ખુલ્લું આમંત્રણ : મોરબીને પાંચમું અર્બન હેલ્થ સેન્ટર મળશે

મોરબી : શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ મોરબી અપડેટ આયોજિત મોરબી અપડેટ કોન્ક્લેવ-2021ના ચોથા અને અંતિમ દિવસે મોરબીના શિક્ષણ અને આરોગ્યને લગતા પડકારો વિષય અંતર્ગત સરકારી અધિકારીઓ, ખાનગી તબીબો, શિક્ષણવિદો અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વર્ષ 2025ની જરૂરિયાતોને ધ્યાને લઈ કરવામાં આવેલા વિચાર મંથનના અંતે મોરબીમાં માઈગ્રેટ શ્રમિકોના બાળકોના શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરી આવનાર દિવસોમાં સહિયારા પ્રયાસો થકી લોકભાગીદારી વડે મોબાઈલ સ્કૂલ વડે એજ્યુકેશન અને મોબાઈલ ક્લિનિક વડે આરોગ્ય સેવા પુરી પાડવા ડ્રિમ પ્રોજેક્ટ ઉપર સંમતિ સાધવામાં આવી હતી; તો સિવિલ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબોની ખોટ પુરી કરવા ખાનગી તબીબોને સેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


મોરબી અપડેટ કોન્ક્લેવ 2021 અંતર્ગત ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ વચ્ચે વિચારમંથનનો પ્રારંભ થયા બાદ નવયુગ શૈક્ષણિક સંકુલના પી.ડી.કાંજીયા દ્વારા વર્તમાન સમયમાં ખાનગી કે સરકારી શાળાઓ વચ્ચે હરીફાઈ નહીં પરંતુ એક બીજાના પૂરક બની વિદ્યાર્થીઓને ઉચ્ચકોટિનું શિક્ષણ મળે એ દિશામાં પ્રયાસો કરવા ઉપર ભાર મૂકી સરકારી શિક્ષકોની મર્યાદા અંગે છણાવટ કરી સામે પક્ષે ખાનગી શિક્ષકો ઓછા પગારમાં પણ કાર્યક્ષમતા સાથે કામગીરી કરતા હોવાનું ઉમેર્યું હતું.

કોન્ક્લેવમાં ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ ગુજરાત સરકારનો આભાર માની આવનાર દિવસોમાં સરકાર દ્વારા મોરબીના સીરામીક, સોલ્ટ સહિતના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી કેમિકલ અભ્યાસક્રમો માટે અલાયદી યુનિવર્સીટી મળે તે માટે પ્રયત્નો જરૂરી હોવાનું જણાવ્યું હતું. જયારે સરકારી શાળાના આચાર્ય મનન બુદ્ધદેવે કોરોના મહામારી બાદ બદલાયેલ અભ્યાસ પદ્ધતિ અંગે ચિંતા વ્યક્ત કરી ઓનલાઇન અભ્યાસ થકી વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન પૂર્ણ ન થઈ શકે તેવી ટકોર કરી શાળાકીય શિક્ષણમાં શારીરિક શિક્ષણને પ્રાધાન્ય આપવા ઉપર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન પ્રમુખ વિજયભાઈ ગઢિયાએ કોરોનાકાળ બાદ બદલાયેલી જીવન પદ્ધતિમાં હવે લોકો જાગૃત બની પલ્સમીટર, ઓક્સિમીટર વાપરતા થયા હોવાનું અને ઓનલાઇન હેલ્થ કન્સલ્ટીન્ગનો લાભ લેતા થયા છે ત્યારે હોલિસ્ટિક એપ્રોચ સાથે આરોગ્ય ક્ષેત્રે આવતા બદલાવને ધ્યાને લેવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમક્ષેત્રના સર સંઘ સંચાલક જયંતીભાઈ ભાડેશીયાએ આ તકે પડકારો અને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહી ગણિત, વિજ્ઞાન સહિતના વિષયોમાં જે કોરોના મહામારીમાં અંતર આવ્યું છે તે પુરવા પ્રયાસો કરવા પડશે તેમ જણાવી મોરબીમાં ચેરિટી બેઇઝથી ચાલતી હોસ્પિટલની કમી અંગે માર્મિક ટકોર કરી દરેક ડોક્ટર દરરોજ એક દર્દીની વિનામૂલ્યે ચકાસણી કરે અને દરેક સર્જન ડોક્ટર મહિને એક વખત વિનામૂલ્યે જરૂરિયાત મંદ દર્દીનું ઓપરેશન કરે તો મહિને દહાડે અને વરસે દહાડે અનેક દર્દીઓનું કલ્યાણ થાય તેવી ભાવના પ્રગટ કરવા ઉપસ્થિત તબીબોને આહવાન કર્યું હતું.

જયારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલાએ કોરોના મહામારી બાદ શિક્ષણની પરોક્ષ અભ્યાસ પદ્ધતિને પડકાર રૂપ ગણાવી હાલમાં અમલી બનેલ એનસીઇઆરટીના અભ્યાક્રમ બાળકો તો ઠીક શિક્ષકો માટે પણ અઘરા હોવાનું જણાવી ખાસ કરીને મોરબીમાં રોજગારી માટે આવતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું દરેક બાળકને એક જ ફોર્મેટમાં મૂકવું જરૂરી નથી દરેક બાળકને જનતાની સાથે જ ઈશ્વરે કંઈક વિશેષતા આપેલી છે આ વિશેષતાને ઓળખી બાળકને તેની રુચિ મુજબ આગળ વધવાની તક મળે તેવું શિક્ષણ આપવા ઉપર ભાર મૂકી બાળકોને જીવનલક્ષી શિક્ષણની હિમાયત કરી હતી સાથો -સાથ કોરોના બાદ શારીરિક આરોગ્ય અંગે પણ શાળા કક્ષાએથી બાળકોને શિક્ષણ મળે તે બાબતે વિચારવાનો સમય આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મોરબી અપડેટ કોન્ક્લેવમાં કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયાએ સરકારી અને ખાનગી શાળાની સરળ સમજ આપતા જણાવ્યું હતું કે સરકારી શાળા એસટી બસ જેવી જેવી છે પેસેન્જર પૂરતા પ્રમાણમાં હોય કે ન હોય નિર્ધારિત રૂટ ઉપર જાય છે જયારે ખાનગી શાળા ટ્રાવેલ્સ બસ જેવી ગણાવી થોડામાં જાજુ કહ્યું હતું. આ ઉપરાંત તમને મોરબી જિલ્લામાં 73 ટકા જેટલો નીચો સાક્ષરતા રેશિયો ભવિષ્ય માટે ચિંતા જનક ગણાવી અજ્ઞાનતાથી કોરોના રસીકરણથી લઈ અનેક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું જણાવી બાળકોમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તેવું દરેક સરકારી અને ખાનગી શાળામાં શિક્ષણ મળે તે બાબત ઉપર ભાર મુક્યો હતો.

આ તકે મોરબી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ગરમોરાએ જિલ્લાના કોલેજીયન વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી અત્યંત ગંભીર બાબતે સૌ કોઈનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, કોલેજનો વિદ્યાર્થી ગોલ વગર ભણી રહ્યો છે. શા માટે કોલેજ અભ્યાસ કરી રહ્યો છે તે પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી પાસે નથી, 50 ટકા વિદ્યાર્થી એવું કહે છે કે ધોરણ 12 પાસ કર્યું એટલે કોલેજમાં આવ્યો ! આ સંજોગોમાં સિરામિક હબ મોરબીમાં રોજગારલક્ષી અભ્યાસક્રમની ખાસ જરૂર છે. ડિગ્રી, ડિપ્લોમા કોર્ષમાં સિરામિક વિષય સમાવવો સમયની માંગ છે. અહીં સર્વિસ સેકટર ઊંચું છે જે ધ્યાને લઇ અભ્યાસક્રમ ગોઠવવા ઉપર ભાર મુક્યો હતો. સાથો સાથ મોરબીમાં મફતનું લઈશ નહિ તેવી ભાવના બધા મા હોવાનું જણાવી સરકારના વિનામૂલ્યે સ્પોકન ઈંગ્લીશ કોર્ષ માટે વિદ્યાર્થીઓ મળતા નથી તે બાબતને આશ્ચર્યજનક ગણાવી હતી.

આ તકે મોરબીના પીઢ કેળવણીકાર બેચરભાઈ હોથીએ અગત્યની બાબત ઉપર પ્રકાશ પાડી જ્યાં ઉંચી ફી લેવાય ત્યાં શિક્ષણ સારું હોવાની માનસિકતામાંથી બહાર આવી પ્રજાજનોને સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં બાળકોને ભણાવવાની બાબત ઉપર ભાર મુક્યો હતો. તો એલ.ઇ.કોલેજના પ્રોફેસર જાગૃતિ ભેડાએ મોરબીની આવનારી જરૂરિયાત અને ઉધોગોના વૈશ્વીકરણને ધ્યાને લઇ જર્મન, ફ્રેન્ચ, ઇટાલી જેવી ભાષા શીખવવા સેન્ટર ખોલવા, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સ્પીપા શરૂ કરવા સુઝાવ રજૂ કર્યો હતો.

- text

આ ઉપરાંત અગ્રણી સ્કૂલ સંચાલકો અને શિક્ષકોએ પોતાના વિચારો અને મંતવ્ય વ્યક્ત કર્યા હતા.

કોન્કલેવના મંચ ઉપરથી મોરબી સિવિલના આરએમઓ ડો.સરડવાએ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબોની કમી હોવાનું સ્વીકારી આ કમીને દૂર કરવા પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તેમજ ખાનગી તબીબોને સિવિલમાં સેવા માટે આહવાન કર્યું હતું. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરાએ લોકોને મારે શુ અને મારું શુ ની વિચારશરણીમાંથી આવી આરોગ્ય અને શિક્ષણ માટે સહિયારા પ્રયાસથી જ ઉકેલ આવશે તેમ જણાવ્યું હતું.

મોરબી અપડેટ કોન્કલેવમાં અગ્રણી તબીબ ડો.જયેશ સનારીયાએ મોરબી માટે લાલબતિરૂપ બાબતો ઉજાગર કરી કહ્યું હતું કે, પદ, પ્રતિષ્ઠા અને પૈસો વધતા મોરબીમાં દુષણો વધ્યા છે. જિલ્લામાં એચઆઇવી એઇડ્સની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી સજાતીય સંબંધો ધરાવતા લોકો અને સેક્સ વર્કરોમાં એચઆઇવી પોઝિટિવની સંખ્યા દિનબદીન વધી રહી છે જે ખુબ જ ચિંતાનો વિષય ગણાવ્યો હતો. આ ઉપરાંત મોરબીના લોકો ફેકટરી, મકાન અને ગાડી પાછળ લખલૂટ ખર્ચ કરે છે પરંતુ હેલ્થ પ્રત્યે ધ્યાન આપતા ન હોવાનું અને હેલ્થ ઇન્સ્યોરન્સ કે હેલ્થ પ્લાનિંગમાં ઉદાસીન હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ડો. દિપક અઘારાએ મોરબીમાં પોલ્યુશનનો પ્રશ્ન આવનાર દિવસોમાં મો ફાડીને ઉભો હોવાનું કહી પાણી પહેલા પાળ બાંધવા સજ્જ થવા જણાવી 2025માં ક્વોલિટી ઓફ લાઈફ માટે કેટલાક આકરા નિર્ણયો લેવાની સાથો સાથ 2025 સુધીમાં મોરબીમાં વિશાળ હોસ્પિટલની જરૂરત ઉપર ભાર મુક્યો હતો.

જ્યારે ડો.હિતેશ પટેલ, ડો.સતીષ પટેલ, ડો.બોડા, ડો.ભાવિન ગામી, ડો.વિપુલ માણસણા, ડો.ચેતન અઘારા, ડો. ચેતન વારેવાડિયા અને અન્ય ડોક્ટરો અને શિક્ષકોએ પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા.

કોન્કલેવ સમાપન દિવસે મોરબી માટે સૌથી અગત્યનો મુદ્દો વિચાર મંથનમાં રજૂ કરતા જયેશભાઈ ગામીમોરબીમાં રોજગારી માટે આવતા પરપ્રાંતીય શ્રમિકો અને તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે અત્યન્ત ગંભીર પ્રશ્ન હોવાનું કહી કહ્યું હતું કે આ શ્રમિકોને કારણે જ આજે આપણે લક્ઝુરિયસ ગાડીમાં ફરીએ છીએ કોટ પેન્ટ પહેરી શકીએ છીએ માટે અભ્યાસથી વંચિત શ્રમિક બાળકો માટે મોબાઈલ સ્કૂલ અને મોબાઈલ ક્લિનિક અંગેનો ડ્રિમ પ્રોજેકટની રૂપરેખા આપતા આવનાર દિવસોમાં આઈએમએ અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકાર અને સિરામિક એસોસિએશનના સહિયારા પ્રયાસથી લોકભાગીદારીથી આ દિશામાં કામગીરી કરવા પ્રાથમિક સહમતી સધાઈ હતી.

થીંક મોરબી કોન્કલેવના સમાપન સમયે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તમામ બુદ્ધિજીબીઓના વિચારમંથન અંગે હકારાત્મક અભિગમ સાથે ખાનગી તબીબોને સરકારના સેવા સેતુ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા અનુરોધ કરી મોરબી શહેર માટે પાંચમું અર્બન હેલ્થ સેન્ટર આપવા સરકાર દ્વારા નક્કી કરાયું હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત મોરબીના સ્કોલર અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સ્પીપા શરૂ થાય તેવા પ્રયાસો કરવાની સાથે અમદાવાદની ફેકલ્ટીઓનો વર્ચ્યુલી લાભ મળે તે બાબતે પણ પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવી વિઝન 2025 માટે સહિયારા પ્રયાસો રંગ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોન્કલેવના સમાપનમાં સ્કાય મોલના માલિક બીપીનભાઈ મહેતાએ મોરબીના હિતમાં થતા આયોજન માટે પોતાનો પૂરો સહયોગ આપવાની જાહેરાત કરી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text