મોરબી ડેપોની 20 જેટલી બસોને ધક્કા મારીને જ ચાલુ કરવી પડે છે : ડ્રાયવર-કંડક્ટરોનો આક્રોશ

- text


બેટરીના અભાવે ખખડધજ બસોમાં ધક્કા મારવા મજબૂર મોરબી ડેપોના એસટી કર્મચારીઓ : બેટરી પ્રોબ્લેમ અને યોગ્ય મેન્ટેનન્સના અભાવે મોરબી ડેપોની એસટી બસના ડ્રાઈવર-કંડક્ટરોને થતી પારાવાર પરેશાની અંગે કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો

મોરબી: “સલામત સવારી-એસટી તમારી”નું સૂત્ર જીએસઆરટીસી દ્વારા આપવામાં આવ્યું છે. ખાનગી ટ્રાવેલ્સની સરખામણીમાં એસટી બસોની હાલત વિશે પ્રવાસીનો અભિપ્રાય લગભગ એક સમાન જ હોય છે અને એ અભિપ્રાય મોટેભાગે નકારાત્મક છબી ઉપસાવતો જોવા મળે છે. ગુજરાતના દરેક એસટી ડેપોની અલગ અલગ સમસ્યાઓ હોય છે ત્યારે મોરબી એસટી ડેપોમાં પેસેન્જરોની સમસ્યાઓની સાથોસાથ હવે એસટીના ડ્રાઈવર-કંડક્ટરોની સમસ્યા સામે આવી છે. જેમાં મોરબી એસટી ડેપોની 20 જેટલી બસોને કાયમી ધક્કા મારીને જ ચાલુ કરવી પડે છે. આ સમસ્યાને લઈને ડ્રાઈવર-કંડક્ટરોએ આક્રોશ વ્યક્ત કરીએસટીના ઉચ્ચ સત્તાધીશોને રજુઆત કરી છે.

મોરબી ડેપોમાં બસોના મેઇન્ટેનન્સને લઈને ડ્રાઈવરો-કંડક્ટરોએ આક્રોશ વ્યક્ત કરી સત્તાધીશોને રજુઆત કરી છે. ખાસ કરીને ખખડધજ બસોને કારણે ડેપોથી લઈને સમગ્ર રૂટ દરમ્યાન વેઠવી પડતી અગવડતાઓ અંગે કરાયેલી રજુઆતમાં ડ્રાઈવરો-કંડક્ટરોએ જણાવ્યું છે કે, મોરબી એસટી વર્કશોપમાં બસનો રખરખાવ યોગ્ય રીતે કરવામાં આવતો નથી. વર્કશોપમાં અમુક સ્પેરપાર્ટનો કાયમી અભાવ હોય છે ત્યારે રોજિંદા ઘસાતા સ્પેરપાર્ટની અછતને લઈને બસના રૂટમાં અધવચ્ચે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને મોટા ભાગની બસોમાં ડ્રાય બેટરીની અછત વર્તાય છે. ઉલ્લેખનીય છે કે બસોને સ્ટાર્ટ કરવામાં બેટરી મુખ્ય અને અનિવાર્ય અંગ મનાય છે. એસટીની બસો દરેક બસ સ્ટેશન પર જઈને ઉભી રહે ત્યારે બસનું એન્જીન બંધ કરી પેસેન્જર બેસી જાય ત્યારે ચાલુ કરવું પડતું હોય છે. પરંતુ જે બસમાં બેટરી ન હોય કે બેટરીની સમસ્યા હોય ત્યારે ફરજીયાતપણે બસને ધક્કા મારીને એન્જીન સ્ટાર્ટ કરવું પડતું હોય છે. માથાના દુઃખાવારૂપ આ સમસ્યાથી બસના ડ્રાઈવર-કંડકટર તોબા પોકારી ગયા છે.

મોરબી ડેપોમાંથી અન્ય સ્ટાફની મદદ વડે ધક્કા મારીને શરૂ કરેલી બસનું એન્જીન જે તે સ્ટોપ પર બંધ કરી શકાતું નથી. કેમ કે એકવાર એન્જીન બંધ કર્યા બાદ ફરી વાર બસને ધક્કો મારીને જ એન્જીન શરૂ કરવું પડતું હોય ડ્રાઈવરો એન્જીન ચાલુ જ રાખવા મજબૂર બને છે. આ સ્થિતિમાં બસમાં મહામૂલું ડીઝલ વેડફાતું રહે છે. એક જ રૂટ પર ચાલતી બે બસમાં બેટરી વગરની બસમાં ડીઝલ વધુ વપરાતું હોય અધિકારીઓ ડ્રાઈવર-કંડકટરનો ખુલાસો માંગે ત્યારે તકરાર થતી હોય બસનો સ્ટાફ માનસિક તણાવ અનુભવે છે. આ કારણોને લઈને ઘણા સંજોગોમાં વધુ ડીઝલ વપરાતું હોય એવી બસના ડ્રાઈવરને મેમો આપી પગારમાંથી પૈસા કાપી લેવામાં આવે ત્યારે જે તે ડ્રાઈવર કચવાટની લાગણી અનુભવીને “પાડાના વાંકે પખાલીને ડામ” આવ્યો હોવાનો વસવસો વ્યક્ત કરવા સિવાય કશું કરી શકતો નથી.

રજુઆતમાં ડ્રાઈવરો-કંડક્ટરોએ પોતાની વધુ સમસ્યા વર્ણવતા જણાવ્યું છે કે, જે-તે રૂટમાં કોઈ ગામડામાં નાઈટ હોલ્ટ હોય ત્યારે બેટરી વિનાની બસમાં ગ્રામજનોની મદદ લઇ તેઓ પાસે ધક્કા મરાવીને બસ સ્ટાર્ટ કરવી પડે છે. રસ્તામાં બંધ પડી ગયેલી બસોને સ્ટાર્ટ કરવા માટે મુસાફરો પાસે ધક્કા મરાવવા પડે છે. જે એસટીની સ્વચ્છ છબી માટે અનુચિત લાગતું હોવાની લાગણી ડ્રાઈવરો-કંડક્ટરોએ વ્યક્ત કરી છે. બસની સલામતી જળવાય એ માટે બ્રેક સિસ્ટમ પ્રોપર હોવી જરૂરી છે. પણ મોરબી એસટી વર્કશોપમાં બ્રેકને લગતા સ્પેરપાર્ટની અછત હોય રગડઢગડ કરી ગાડું ગબડાવવામાં આવે છે. જે અંતે તો અકસ્માતનું કારણ બને છે. પ્રવાસીઓ પોતાના જોખમે સવારી કરતા હોય એવી મનોદશામાંથી પસાર થતા ડ્રાઈવરો માટે આ સ્થિતિ અસહ્ય છે. વારંવારની રજૂઆતો બાદ પણ એસટીના અધિકારીઓ સુરક્ષાની બાબતે આંખ આડા કાન કરતા હોય ડ્રાઈવરો પણ જીવના જોખમે બસ ચલાવવા મજબૂર છે એવું રજુઆતના અંતમાં જણાવાયું છે.

- text

ઉક્ત ફરિયાદો અને રજૂઆત સંદર્ભે મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, બસોમાં ટેક્નિકલ પ્રોબ્લેમ જલ્દીથી હલ કરવાની સૂચના આપી દેવાઈ છે. તેમજ એક જ રૂટની બે અલગ અલગ બસોમાં ડીઝલ વપરાશમાં તફાવત આવે છે ત્યારે ડ્રાઈવરનો ખુલાસો જાણવા મેમો આપવામાં આવે છે. કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી. ખુલાસો પૂછવો અમારી ફરજ છે. છેલ્લા સપ્તાહથી ડ્રાઈવરો પાસેથી ખુલાસો માંગવાનું શરૂ કરાતા ડ્રાઈવરો પણ તકેદારી રાખતા થયા હોય ડીઝલની બચત થઈ હોવાનું રેકોર્ડ પર નોંધાયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જો કે, અમુક બસોમાં ડીઝલનો વધુ વપરાશ બેટરી ન હોવાને કારણે થતો હોવાની વાત અધિકારીએ સાંભળી ન સાંભળી કરી હોવાનું એમના જવાબ પરથી જણાઈ આવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે બસોની સુરક્ષાને લઈને ઉઠેલા સવાલો સામે વર્કશોપની કાર્યપધ્ધતિમાં કેવો સુધારો આવે છે.

- text