દિકરા કરતા પણ સવાઈ રીતે ઉછરેલી ચાર દિકરીઓએ શિક્ષક પિતાને કાંધ આપી દીકરાનો ધર્મ નિભાવ્યો

- text


‘દિકરો-દિકરી એક સમાન’ સૂત્રમાં માનતા માતા-પિતાને અગ્નિસંસ્કાર પણ મોટી દીકરી એ જ આપ્યા

મોરબી : મોરબીમાં રહેતા એક પરિવારમાં ‘દિકરો-દિકરી એક સમાન’ સૂત્ર ખરા અર્થમાં સાર્થક થયું છે તેમ ચોક્કસ કહી શકાય. કારણ કે માતા-પિતાએ ચારેય દિકરીઓને જન્મથી દિકરા કરતા પણ સવાઈ રીતે ઉછેરીને દિકરીઓનું ઘડતર કર્યું. એ માતા-પિતાના જીવન દરમિયાન દિકરીઓએ દિકરા કરતા પણ વિશેષ રીતે માતા-પિતાની કાળજી રાખી અને અને મૃત્યુ બાદ પણ માતા-પિતાને કાંધ આપી સહારો આપ્યો હતો. તેમજ માતા-પિતાને અગ્નિસંસ્કાર પણ મોટી દિકરી એ જ આપી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો.

મોરબીની વી. સી. હાઈસ્કૂલના નિવૃત શિક્ષક કાંતિલાલ યુ. મહેતાએ તંદુરસ્ત જીવન જીવી ગત તા. 1 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યા આસપાસ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે ચાર દિકરીઓ કિરણબેન, સ્મિતાબેન, મનીષાબેન અને ડો. પારુલબેનને દિકરાની જેમ જ ઉછેરી સમાજને સંતાનોમાં સમાનતા જોવાનો સંદેશ આપ્યો છે. તેમણે ચારેય પુત્રીઓને શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અપાવી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કર્યું હતું. સામા પક્ષે દિકરીઓએ પણ શિક્ષણમાં ખૂબ મહેનત ઉચ્ચ પદવી મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યું હતું.

- text

શિક્ષક પિતા કે. યુ. મહેતા તથા તેમના ધર્મપત્ની સ્વ. અનુસૂયાબેન બંનેને દિકરીઓએ જ અગ્નિ સંસ્કાર આપી અંતિમ વિદાય આપી હતી. તેઓ બંનેએ ક્યારેય પોતાની પુત્રીઓને પુત્રથી નબળી માની જ નથી. બલ્કે દીકરાથી પણ વિશેષ દરજ્જો આપ્યો છે. તેમના સૌથી મોટા પુત્રી કિરણબેનએ પુત્રની માફક જ માતા-પિતા માટેની તમામ ફરજ નિભાવવા માટે અપરિણીત રહી ત્રણેય બહેનોના મોટા ભાઈ તરીકે ઉભા રહી પરિવારની સાર-સંભાળ લીધી છે. રક્ષાબંધનનો તહેવાર હોય કે ભાઈબીજનું પર્વ હોય, લગ્ન પ્રસંગમાં જવતલ હોમવાના હોય કે મામેરું કરવાનું હોય કિરણબેન ભાઈ અને દીકરા તરીકે જવાબદારી સુપેરે નિભાવે છે. માતા-પિતાના અંતિમ સંસ્કાર પણ તેમને જ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે કિરણબેન શિક્ષણક્ષેત્રમાં તેમજ મનીષાબેન અને ડો. પારુલબેન મેડિકલ ક્ષેત્રમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ રીતે આદર્શ શિક્ષક અને આદર્શ પિતા કે. યુ. મહેતાએ દિકરીઓને સમાજમાં સન્માનપૂર્ણ જીવન જીવતા શીખવી સમાજ માટે પ્રેરણાદાયી જીવન જીવ્યું છે. અને તેમના પત્ની અનુસૂયાબેને પણ પતિને સાથ-સહકાર આપી દીકરીઓમાં સંસ્કારનું સિંચન કર્યું છે. તેમજ ચારેય દિકરીઓ પણ જીવનમાં સફળતા મેળવી અને સમાજ સેવા કરી માતા-પિતાના ઉછેરને દીપાવી રહી છે.

- text