મોરબીમાં શાકભાજીની સાથે જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ…જુઓ વિડિઓ

- text


 

વિશિપરામાં મહિલા દ્વારા દેશીદારૂનો પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લો વેપાર : વારંવાર રજુઆત છતાં પોલીસે પગલાં ન લેતા સ્થાનિકોએ વિડિઓ બનાવી કર્યો વાયરલ

મોરબી : મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે આસાનીથી દારૂનું વેચાણ થઈ રહ્યું છે એ વાત જગ જાહેર છે. જોકે ગુજરાતમાં દારૂના વેચાણ પાછળ પોલીસની હપ્તાખોરી મુખ્ય કારણભૂત છે એ પણ સૌ જાણે છે. ત્યારે મોરબીમાં તો પોલીસની રહેમ નજર હેઠળ શાકભાજીની સાથે જ ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ થઈ રહ્યાનો વિડિઓ વાયરલ થયો છે. હવે જોવાનું રહ્યું કે મોરબી પોલીસ પોતાની આબરૂ બચાવવા આ દારૂના વેપલો બંધ કરાવે છે કે નહીં.

મોરબીમાં દારૂની બદીને નાથવામાં પોલીસની કચાશ હોવાનું પ્રતીતિ કરાવતી એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના વીસીપરા ફાટક અંદરના વિસ્તારમાં એક મહિલા શાકભાજીની લારી ચલાવી રહી છે. જેમાં શાકભાજીની સાથે સાથે બાજુમાં દેશી દારૂનું પણ વેચાણ થઈ રહ્યું છે. પોલીસની રહેમરાહે ચાલતી આ ગેરકાનૂની પ્રવૃતિથી સ્થાનિકોએ રોષે ભરાઈને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વીસીપરા ફાટક અંદરના વિસ્તારમાં શાકભાજીની લારીની સાથે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ લારી એક મહિલા દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં શાકભાજીની સાથોસાથ ખુલ્લેઆમ દેશી દારૂનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ દેશી દારૂના વેપલાથી સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે.

- text

અહીંના સ્થાનિકોએ આ અંગે પોલીસને વારંવાર રજુઆત પણ કરી છે. પણ દેશી દારૂના વેપલાની ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ યથાવત જ રહી છે. જેથી પોલીસ તંત્ર દ્વારા આ વેપલા ઉપર મીઠી નજર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અંતે સ્થાનિકોએ આ સમસ્યાના ઉકેલ માટે ગ્રાહકના સ્વાંગમાં જઈને દેશી દારૂ ખરીદી સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી તેનો વીડિયો બનાવ્યો છે. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસની આંખ ઉઘડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે લગત તંત્ર આ મામલે એકશન લ્યે છે કે કેમ ?


  • શાકભાજીનો થળો સંભાળતી મહિલા

  • ગ્રાહક પાસેથી પૈસા લેતો મહિલાનો સાગરીત

  • પૈસા લીધા બાદ ગ્રાહકને દારૂની કોથળી આપી

- text