4 કિશોરોએ બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, વિડીયો વાયરલ થતા ફૂટ્યો ભાંડો

કિશોરોની પાપલીલાનો વિડીઓ વાયરલ થયા બાદ ભોગ બનનાર બાળકના પિતા સુધી પહોંચતા ભાંડો ફૂટ્યો

ટંકારા : ટંકારા પંથકમાં 4 કિશોરોએ મળીને એક બાળકને ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. ઉપરાંત આ બનાવનો વીડિયો બનાવીને કિશોરોએ તેને વાયરલ કર્યો હતો. આ મામલે આજે ટંકારા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ટંકારા તાલુકા એક ગામમાં રહેતા બાળક ઉપર બે મહિના પહેલા તે જ ગામના 12થી 15 વર્ષની વય ધરાવતા 4 કિશોરોએ મળીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. એક કિશોરે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારીને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યો હતો. આ વીડિયો ભોગ બનનાર બાળકના પિતાના ધ્યાને આવતા તેઓને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.

બાદમાં ભોગ બનનાર બાળકના પિતાએ 4 કિશોરો સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ એલસીબી અને ટંકારા તાલુકા પોલીસે ફરિયાદના આધારે ચારેય કિશોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. મળતી મહિતિ મુજબ આ વીડિયો 2 મહિના પૂર્વેનો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કિશોરોએ એકથી વધુ વખત બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અંગત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ ભોગ બનનારના વાલીએ આરોપીના વાલીને આ ધટના અંગે વાત કરી હતી અને વિડિયો વધુ વાયરલ ન કરવા જણાવ્યું હતું. પરંતુ સોશિયલ મિડીયામા આ વિડીયો બહાર આવતા ભોગ બનનારના પિતાએ આજે ટંકારા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી છે.

નોંધ : આ બનાવમાં ફરિયાદી અને આરોપીઓ સગીર વયના હોવાથી કોર્ટના આદેશ મુજબ તેમની ઓળખ જાહેર કરી શકાતી નથી. માટે ગામનું નામ અને આરોપીઓ, ફરિયાદીના નામ લખવામાં આવ્યા નથી.