માળીયા તાલુકામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સમક્ષ મહિલાઓએ વર્ણવી પીવાના પાણીની વ્યથા

- text


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પેટલે મહિલાઓને પાણી પ્રશ્ન નિવારવા આપી ખાત્રી : ભાજપ સરકારની “નલ સે જલ” યોજનાની હાર્દિકે ખોલી પોલ 

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓ માળીયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી રહ્યા છે ત્યારે ગ્રામીણ મહિલાઓએ હાર્દિક પટેલ સમક્ષ પીવાના પાણીની સમસ્યાને લઈને વર્તમાન ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માળીયા તાલુકાના વિવિધ ગામની મહિલાઓને પીવાના પાણીની પડતી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખાતરી આપી હતી.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે મોરબી માળીયા વિધાનસભાના વિવિધ ગામોમાં જઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. સ્થાનિક સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળવા હાર્દિક પટેલ નાના-નાના ગામડાઓ ખૂંદી રહ્યા છે, તે દરમ્યાન માળીયા તાલુકાના કુંતાસી ગામની મહિલાઓએ પીવાના પાણીની સમસ્યા ઘણા વર્ષોથી ઠેરની ઠેર છે તેવી ફરીયાદ કરતા મહિલાઓ સમક્ષ હાર્દિક પટેલે સરકારની સુફિયાણી વાતોની ઝાટકણી કાઢી હતી અને પીવાના પાણીની તકલીફ દૂર કરવાની ખાતરી આપી હતી. જેમાં ગ્રામીણ મહિલાઓએ પણ સુર પુરાવતા કહ્યું હતું કે અમે વોટ આપીયે તમે પાણીની સમસ્યાનું સમાધાન કરી આપો.

- text

આ તકે હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં આ ગામમાં પાણી નથી આપી શકી. પાણી વગરની રૂપાણી સરકાર ઘર આંગણે પાણી આપી શકતી નથી અને ગુજરાતમાં “નલ સે જલ” યોજનાના નામે ઘરે ઘરે પાણી આપવાની મોટી મોટી સૂફીયાણી જાહેરાતો કરે છે. વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં મોરબી માળીયા વિધાનસભાના જાગૃત મતદારો હવે આ માત્ર વાતો કરતી ભાજપ સરકારને જાકારો આપશે અને હવે મોરબીની જનતાને માત્ર વિધાનસભામાં બેસીને વાતોના વડા કરનારો ધારાસભ્ય નહિ પણ મોરબીની પ્રજાનો સાચો પ્રતિનિધિ મળશે એમ હાર્દિક પટેલે ગ્રામીણો સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માળીયાના વિસ્તારોની આ મુલાકાતો અને પ્રચાર-પ્રસાર દરમ્યાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, રાજકીય આગેવાનો, મોરબી-માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલ સાથે “વિજય કૂચ ” ચૂંટણી પ્રચાર પ્રવાસમા સ્થાનિક કાર્યકર્તાઓ જોડાયા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text