હીરાપરમાં ગેરકાયદે ચાલતી સાબુની ફેક્ટરીના દુષિત પાણી મામલે કારખાનેદારને નોટિસ ફટકારાઇ

- text


મોરબી અપડેટમાં પ્રસારિત અહેવાલ બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દોડતું થયું

ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામ નજીક ગેરકાયદેસર ધમધમતી સાબુની ફેકટરીના કેમીકલયુક્ત દુષિત પાણી ગામડાની નદી-નાળા વાટે ડેમ સુધી પહોંચ્યુ હતું. જેના લીધે અનેક જળચરોના તડપી તડપીને મોત નીપજ્યાં હતા. અને પાણી દુષિત થતા ગામડાના પશુધન, ખેતી સહિત જન આરોગ્યને ખતરો પેદા થયા મામલે હોબાળો મચ્યો હતો. જે અંગેનો એહવાલ મોરબી અપડેટમા પ્રસારિત થતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઓફિસરે જાતે ધસી જઈ ફેકટરી સંચાલકને નોટીસ પાઠવી આકરા પગલાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે જમીન ઉપર ગેરકાયદેસરનુ કારખાનુ શરતભંગ છે કે શુ તેની તપાસ પણ થશે.

આ ઉપરાંત, ટંકારા તાલુકાના લતીપર રોડના સાવડી ગામે પસાર થતી ફુલઝર નદીમા ઉપરવાસથી કેમીકલયુકત દુષિત પાણી આવતા નદીમા વસતા માછલી સહિતના જળચર પ્રાણીઓનો સોથ વળી ગયો હોવાનુ ગામડાના લોકોના ધ્યાને આવતા હોબાળો મચ્યો હતો. સાવડી ગ્રામ પંચાયતના સરપંચ પ઼ભાબેન હેમંતભાઈઍ સભ્યોને સાથે રાખી વિક્રમ કારાવાડીયા સહિતના તાબડતોબ ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી મોરબી જીલ્લા મથકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરી તાકિદે પગલા લેવા રાવ કરી હતી.

જેમાં નદીના પાણીનો ઉપયોગ સાવડી, સરાયા, ઓટાળા, બંગાવડી સહિતના અનેક ગામના લોકો કરી રહ્યા હોય. દુષિત પાણીથી ગામડાનુ પશુધન તથા જનઆરોગ્યને ખતરા સાથે સિંચાઈથી ખેતીને નુકશાન થવાની દહેશત વ્યકત કરી હતી. ઉપરાંત, વહેતુ પાણી નજીકના સિંચાઈ માટેના બંગાવડી ડેમમા ભળવાથી આખો ડેમ દુષિત થયાની દહેશતથી ગામડાની ખેતી બરબાદ થવાની ભીતી સેવાઈ રહી છે.

આ બનાવની ગંભીરતા પારખી પ્રદુષણ નિયંત્રણ અધિકારી કે. બી. વાઘેલા જાતે ધસી આવી નિરીક્ષણ કરી તપાસ કરતા તેઓના ધ્યાને આવ્યુ હતુ કે હિરાપર ગામે ગેરકાયદે ધમધમતી સાબુની ફેકટરીનુ દુષિત પાણી નદીમા પહોંચ્યુ હતુ. ત્યારે સ્થળ પર જ ગેરકાયદે ગામડામા ધમધમતી સાબુની ફેકટરીના સંચાલકને નોટીસ ફટકારી ફેકટરી સીલ કરવા સુધીના આકરા પગલા ભરવા તજવીજ હાથ ધરી હતી.

આ મામલે સૌથી ગંભીર બાબત તો એ છે કે હિરાપર ગામના રસ્તા ઉપર જ આવેલી ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી અને સૂત્રોએ જણાવ્યું છે કે આ જમીન ખેતી લાયક હોવા છતાં કારખાનાના ઉપયોગ મા લેવાતી હતી. ત્યારે ગામડે નોકરી કરતા વહીવટી તંત્રના એક પણ કર્મચારીને આ કેમ દેખાયુ નહી? આ અંગે ટંકારા પ્રાંત અને ડેપ્યુટી કલેકટર મોરબીના ડી. એન. ઝાલાને પુછતા તેમણે જણાવ્યું હતું કે મામલતદાર કચેરી ટંકારાના ધ્યાન પર આ બાબત રાખી તપાસ કરવા જણાવ્યું છે. ત્યારે હવે જોવાનુ રહ્યું કે ટંકારામા ધમધમતા આવા કેટલા ગેરકાયદે કારખાના ઉપર તવાઈ ઉતરે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text