એક સમયે આયોજકોએ લોકોને પડતી મુશ્કેલીને લઈને રાષ્ટ્રપતિને આપેલું આમંત્રણ પણ પાછું ખેંચાયું હતું!

- text


અને આજે નેતાઓ બેફામ કોરોના પ્રોટોકોલ તોડી રહ્યા છે, ત્યારે વાંચો… લેખક અને સિનિયર પત્રકાર જગદીશ આચાર્યનો રસપ્રદ લેખ

રાજકોટ : આજે કોરોનાએ ભરડો લીધો છે. સરકારે મોટા સમૂહો એકત્ર થવા પર અને ધાર્મિક,સામાજીક કે રાજકીય રેલીઓ યોજવા પર પ્રતિબંધ મૂક્યા છે.લગ્નપ્રસંગ કે સ્મશાનયાત્રામાં શામિલ થવા માટે પણ મહત્તમ સંખ્યા મર્યાદા નક્કી કરવામાં આવી છે.આ બધા વચ્ચે પણ કાયદાનું છડેચોક ઉલ્લંઘન થયે રાખે છે.

તાજેતરમાં ભાજપના એક ધારાસભ્ય અને એક મહિલા કલાકારે લોકોના ટોળા વચ્ચે ઘોડેસવારી કરીને સરઘસ કાઢ્યું તે સંદર્ભે એક અખબારે તેમને પરોક્ષ રીતે અસામાજિક તત્વો ગણાવીને યોગ્ય જ ટીકા કરી. કોણ કરે છે એ રીતે કાયદાનું ઉલ્લંઘન અને કોણ એ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે? એ બધા આપણા નેતાઓ છે.એમાં એક પણ પક્ષ બાકાત નથી. ભાજપના નેતાઓ જ્યારે એવું કૃત્ય કરે ત્યારે તે વધુ ગંભીર બને છે કારણ કે તે સતા ઉપર છે.કાયદાનું પાલન કરવાની અને કરાવવાની તેમની વધુ જવાબદારી છે.પણ કમનસીબે આજે એક પણ રાજકીય પક્ષમાં આવા નેતાઓનો કાન પકડે એવું કોઈ નથી.ત્યારે ભૂતકાળમાં બનેલી એક ઘટના પર નજર નાખવાનું રસપ્રદ બની રહેશે. એક એવી ઘટના જેમાં રાષ્ટ્રપતિએ રાજકોટ આવવાની મંજૂરી આપી દીધા બાદ આયોજકોએ લોકોને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ રાષ્ટ્રપતિને આપેલું આમંત્રણ પાછું ખેંચ્યું હતું.

વાત 1958ની છે. રાજેન્દ્રપ્રસાદ ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા.ગાંધીજીના ભત્રીજા નારણદાસ ગાંધી ત્યારે રાજકોટને કર્મભૂમિ બનાવીને રહેતા હતા. રાષ્ટ્રિયશાળા ગાંધી વિચારધારાનું કેન્દ્રબિંદુ હતી. તે વર્ષે રેંટિયા બારસ નિમીતે રાષ્ટ્રિયશાળાની મુલાકાતે આવવા માટે નારણદાસ ગાંધીએ રાષ્ટ્રપતિને આમંત્રણ મોકલ્યું અને રાષ્ટ્રપતિજીએ એ આમંત્રણ સ્વીકાર્યું.

હવે બન્યું એવું કે પ્રોટોકોલ તો તે સમયે પણ હતા.રાજેન્દ્રપ્રસાદજી ટ્રેનમાં રાજકોટ આવવાના હતા.કાર્યક્રમ ફિક્સ થઈ ગયો.નક્કી એવું થયું કે અજમેરથી 12 ડબ્બાની એક ખાલી સ્પેશ્યલ ટ્રેન દિલ્હી જાય. એ ટ્રેનમાં રાષ્ટ્રપતિ મુસાફરી કરે.એમનો કાફલો નીકળે એ પહેલાં ટ્રેક ઉપર એક સર્વેલન્સ ટ્રેન મોકલવી.તેમની ટ્રેન પસાર થવાની હોય ત્યારે બાકીની બધી ટ્રેન રદ કરવી.ટ્રેક ઉપર ચોક્કસ અંતરે વાયરલેસ સેટ સાથે જવાનોને તૈનાત કરવા.દરેક સ્ટેશન ઉપર સ્વાગત કરવું.વળતી વખતે પણ એ જ વ્યવસ્થા કરવાની.અને પછી દિલ્હીથી એ ખાલી ટ્રેન અજમેર પરત મોકલવી.

- text

આ બધી વ્યવસ્થા અંગે અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા તે પછી નારણદાસ ગાંધીએ રાષ્ટ્રપતિને ટેલિગ્રામ કર્યો.તેમાં લખ્યું,”તમે રાષ્ટ્રપતિ છો પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણી ફરજ અને આપણો ધર્મ દરિદ્રનારાયણની સેવા કરવાનો છે.તમારી રાજકોટની મુલાકાતને કારણે હજારો સામાન્ય પ્રવાસીઓ હાલાકીનો ભોગ બનશે.આખું તંત્ર વ્યવસ્થા કરવામાં રોકાઈ જશે.હજારો માનવ કલાકો બગડશે.આ સંજોગોમાં આપને આપેલું આમંત્રણ હું પાછું ખેંચુ છું.આપ મહેરબાની કરીને રાજકોટ અવશો નહીં. રેંટિયો બારસના દિવસે દિલ્હીમાં જ રેંટિયો કાંતિ લેશો.”

આ ટેલિગ્રામ મળ્યા બાદ બપોરે 12.30 વાગ્યે નારણદાસ ગાંધી ઉપર રાષ્ટ્રપતિના સચિવ જ્ઞાનદીપ દરબારીની ફોન આવ્યો.થોડીવાર પછી રાજેન્દ્રપ્રસાદજી લાઇન ઉપર આવ્યા.તેમણે કહ્યું,”નારણદાસભાઈ,તમે મને એક મોટો અનર્થ કરતાં બચાવી લીધા.હું પ્લેનમાં રાજકોટ આવું તો વાંધો નથી ને?”
નારણદાસભાઈએ કહ્યું,”આપ ખુશીથી પ્લેનમાં આવો. અને તેનો બધો ખર્ચ અમે ચૂકવીશું”.
ત્યારબાદ રાજેન્દ્રપ્રસાદજી એરફોર્સના રાજહંસ વિમાનમાં રાજકોટ આવ્યા અને રેંટિયા બારસ પર્વ ઉજવ્યું.રાષ્ટ્રિયશાળાએ વિમાનનો ખર્ચ ચૂકવ્યો.એ ખર્ચ પ્રજાની કેડે ન લાગ્યો.

એક સમયે આવા નેતાઓ હતા.જેઓ રાષ્ટ્રપતિને આપેલું આમંત્રણ પાછું ખેંચી શકતા હતા.અને એક સમયે એવા રાષ્ટ્રપતિ પણ હતા જે ખેલદિલીથી સાચી વાત સ્વીકારી પણ શકતા હતા.એ મુલાકત ઉપર બ્રેક લગાવવાનું કારણ તો પ્રજાને પડનારી હાલાકી નિવારવા માટે હતું.આજે તો કોરોના છે.હજારો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને પણ પોતાની મહત્તા સાબિત કરવાનો મોહ નેતાજીઓ છોડી શકતા નથી.આજે નેતાઓ વૈભવ,ઠાઠમાઠમાં રાચ્યાં રહે છે.નેતાઓની મુલાકાતો પાછળ પ્રજાના લાખો કરોડોનું આંધણ થાય છે.તંત્ર આખું ઠપ્પ થઈ જાય છે.ટ્રાફિકો જામ થઈ જાય છે.કાયદાની ઉઘાડેછોગ ધજજીયા ઉડે છે.અને પ્રજા તાળીઓ પાડયે રાખે છે.આજે આ સ્થિતી છે ત્યારે ક્યારેક આ ધન્ય ભૂમિ ભારત દેશમાં રાજેન્દ્રપ્રસાદ કે નારણદાસ ગાંધી જેવા નેતાઓ પણ હતા એ કોઈ માની શકશે..!

– જગદીશ આચાર્ય (રાજકોટ)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text