જાંબુડિયાના સરપંચને પદ પરથી દૂર કરવાનો ડીડીઓનો નિર્ણય રદ

- text


2018ની સાલમાં રફાળેશ્વર મેળા દરમ્યાન જમીન દબાણ કરવાની અરજી સંદર્ભે સરપંચ પદેથી કરાયા હતા દૂર 

મોરબી : 2018ની સાલમાં રફાળેશ્વર મેળા દરમ્યાન એક શખ્સ દ્વારા મંદિરની પાછળની જમીન દબાણ કરવાના મામલે જાંબુડિયાના સરપંચ વિરુદ્ધ દબાણકર્તા સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપ સાથે એક અરજી કરવામાં આવી હતી. આ અરજી અન્વયે જિલ્લા પંચાયત દ્વારા સરપંચને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. સરપંચે આ હુકમ સામે વાંધો ઉઠાવી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ પ્રતિ અરજી કરી હતી. જેનો ચુકાદો આવતા ડીડીઓના અગાઉના હુકમને રદ કરી જાંબુડિયાના સરપંચને ફરી પદ સાંભળવા માટે હુકમ થયો છે.

- text

સમગ્ર કેસની વિગતો અનુસાર રફાળેશ્વર મંદિરે તારીખ 12-13 ફેબ્રુઆરી દરમ્યાન મેળાનું આયોજન થયેલ. આ બે દિવસ દરમ્યાન અશોકસિંહ મહોબતસિંહ ઝાલાએ મંદિરની પાછળના ભાગમાં દબાણ કર્યું હતું. આ દબાણ સંદર્ભે ખોડાભાઈ જગાભાઈ પાંચિયાએ એક અરજી કરી હતી. જેમાં જણાવ્યાનુસાર દબાણકર્તા અને સરપંચ વચ્ચે થયેલી કોઈ સંભવિત સમજૂતીને લઈને દબાણ કરવા દેવામાં આવ્યું હતું. આ અરજીને આધારે હોદ્દાનો દુરુપયોગ કરવા માટેનું કારણ દર્શાવી જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, મોરબી દ્વારા જાંબુડિયાના સરપંચ રમેશભાઈ ગેલાભાઈ પાંચિયાને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

આ હુકમ સામે ગામના સરપંચે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(3) અન્વયે 24 ફેબ્રુઆરી 2020ના રોજ અરજી કરી હતી. બન્ને પક્ષોની લેખિત-મૌખિક રજુઆત બાદ સુનાવણી પુરી થતા અધિક વિકાસ કમિશનર (ગુજરાત રાજ્ય) એ.એમ.શર્માએ રમેશભાઈ ગેલાભાઈ પાંચિયાને ફરી સરપંચ પદ સાંભળવાનો હુકમ કરી અગાઉનો ડીડીઓનો હુકમ રદ કર્યા હતો.

ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા થયેલ ખુલાસામાં જણાવાયું હતું કે દબાણકર્તાને સહકાર નથી આપ્યો કે મંજૂરી પણ નથી આપી. દબાણકર્તાને નોટિસ આપીને ગ્રામપંચાયતમાં ભરવાપાત્ર થતી રકમ અંગે જાણ કરી એ અંગે કાર્યવાહી પણ કરી હતી. આમ છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હોય તો એ ઇનએફસિયન્સી ગણી શકાય નહીં કે મિસકન્ડક્ટ. સરપંચના વકીલ કે.એચ.બ્રહ્મભટ્ટની આ પ્રકારની દલીલો ગ્રાહ્ય રાખી આખરે સરપંચને ફરી હોદ્દો ગ્રહણ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

- text