મોરબી : અંજતા કંપનીનો તંત્રની બેદરકારીના કારણે ઝૂલતા પૂલને 26મીથી બંધ કરવાનો નિર્ણય

- text


ઘણા સમયથી ઝૂલતા પૂલની જોખમી પરિસ્થિતિ હોવા છતાં વહીવટી તંત્ર દાદ ન આપતા અંતે અંજતા કંપનીએ પુલ બંધ કરીને સંચાલનની જવાબદારીમાંથી મુક્ત થવા અંગે કલેકટરને પત્ર લખ્યો

મોરબી : મોરબીની આન, બાન અને શાન સમા ઝૂલતા પૂલની છેલ્લા ઘણા સમયથી જોખમી હાલત છે. જો કે આ ઝૂલતા પુલનું સંચાલન કરતી અંજતા ઓરેવા કંપનીએ ઝૂલતા પૂલનું રીનોવેશન કરવા માટે વહીવટી તંત્રને અત્યાર સુધીમાં 25 વખત પત્ર લખ્યા હતા.પણ વહીવટી તંત્રએ ઝૂલતા પૂલનું રીનોવેશન કરવાની કોઈ તસ્દી લીધી જ ન હતી. બીજી તરફ ઝૂલતા પૂલ ભારે જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની ભીતિ હોવાથી અંતે અંજતા કંપનીએ આજે કલેકટરને પત્ર લખી તા. 26 જાન્યુઆરીથી ઝૂલતા પૂલ બંધ કરી દેવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે અને ઝૂલતા પૂલના સંચાલનની જવાબદારીમાંથી મુક્ત થવાનું જણાવ્યું છે.

મોરબી શહેરની વચ્ચોવચ પસાર થતી મચ્છુ નદી ઉપર સામાકાંઠાને જોડતો રાજશાહી વખતમાં બનેલા ઐતિહાસિક ઝૂલતા પુલનું છેલ્લા ઘણા સમયથી અંજતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપની સંચાલન કાર્ય સાંભળી રહી છે. પણ છેલ્લા કેટલાક સમયથી ઝૂલતા પૂલ જર્જરિત થઈ ગયો છે અને દિવસેને દિવસે આ ઝૂલતા પૂલની હાલત નાજુક થઈ રહી છે. જો કે ઝૂલતા પૂલને માણવા માટે દરરોજ દેશ વિદેશથી અનેક સહેલાણીઓ આવે છે. ઉપરાંત, મોરબીવાસીઓનો પણ આ ઝૂલતા પૂલ ઉપર ભારે ઘસારો રહે છે. ત્યારે ઝૂલતા પૂલ જોખમી થઈ જવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત છે. જો કે આ ઝૂલતા પૂલનું રીનોવેશન કરવા માટે અંજતા ઓરેવા કંપનીએ જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને તા.13.1.2018 થી અત્યાર સુધીમાં 25 વખત પત્ર લખ્યા હતા. પરંતુ વહીવટી તંત્રએ ઝૂલતા પૂલનું રીનોવેશન કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે કંટાળી ગયેલી અંજતા કંપનીએ ઝૂલતા પૂલની હાલની નાજુક હાલતને લીધે હવે સંચાલન કાર્યમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે.

- text

અંજતા કંપનીએ જિલ્લા કલેકટરને આજે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ઝૂલતા પૂલની જોખમી હાલત અંગે વારંવાર જાણ કરવા છતાં વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે આ જવાબદારીમાંથી મુક્ત થવા અને ઝૂલતા પૂલ ઉપર કોઈ અકસ્માતની ઘટના બને તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે અને આગામી તા. 26 જાન્યુઆરીથી ઝૂલતા પૂલ બંધ કરી દઈને સંચાલન જવાબદારીમાં મુક્ત થવાનું અંજતા કંપનીએ જણાવ્યું છે. તેથી, હવે તંત્ર જાગશે કે કેમ? તેવો સવાલ ઉઠ્યો છે.

- text