ટંકારા ઓવરબ્રિજના ચાલતા કામમાં અણધડ આયોજનથી સ્થાનિકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ

- text


જિલ્લા પંચાયતના સદસ્યએ સમસ્યાનો હવાલો હાથમાં લેતા ત્વરિત ઉકેલ આવવાની સ્થાનિકોને આશા :

ટંકારા : હાલ ટંકારા બાયપાસ નજીક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરના અણધડ વહીવટ અને અયોગ્ય કાર્યશૈલીને કારણે સ્થાનિકો તેમજ નાના-મોટા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે જિલ્લા પંચાયતના સદસ્યએ આ પ્રશ્ને આગેવાની લેતા તંત્રના પગ હેઠળ રેલો આવે તેવું લાગી રહ્યું છે.

ટંકારા ઓવરબ્રિજની અણઘડ કામગીરીથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. બ્રીજ સોલડર વે બનાવ્યા વગર ચાલતા કામને કારણે વાહન ચાલકો સોસાયટીના રસ્તાનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ કરતા સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. રાજકીય નેતાગિરીને આ બાબતે ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાને રજુઆત કરાઈ હતી. રાજકોટિયાએ આ અંગે યોગ્ય કરવાની ખાત્રી આપી જો યોગ્ય પ્રશ્નનો નિવેડો ન આવે તો રસ્તો બંધ કરવાની ચિમકી આપતા સ્થાનિકોમાં હવે કંઈક થશેનો આશાવાદ જાગ્યો છે.

જામનગર તરફથી આવતા વાહનોને રાજકોટ તરફ અને મોરબીના વાહનોને જામનગર તરફ જવા અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોય દર કલાકે આ સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામ થવાનું અન્ય એક કારણ રોડ પર ખડકાયેલા આડેધડ દબાણો હોવાનું પણ સામે આવ્યું છે. શાળાની દિવાલ દબાણના નામે હટાવનાર તંત્રને અન્ય દબાણો હટાવવામાં કોની લાજ-શરમ આડી આવે છે એવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

કરછ, રાજકોટ અને જામનગરને જોડતો મુખ્ય નેશનલ હાઈવે ટંકારા થઈને પસાર થાય છે. રોજના હજારો નાના-મોટા વાહનો જ્યાથી પસાર થાય છે ત્યાં જે ત્યાં બ્રિજ સોલડર વે કર્યા વગર કામ ચાલુ છે. વળી હાઈવે પર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવાયા ન હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વકરી ગઈ છે. યોગ્ય ડાયવર્ઝન ન હોવાથી ભારે વાહનોને વણાંક લેવામા ભારે મુશ્કેલી પડતી હોય કલાકે કલાકે ટ્રાફિક જામ થઇ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી સ્થિતિ વચ્ચે હાઇવે પરના વાહનોને શહેરની સોસાયટી વિસ્તારમાથી પસાર થવા મજબુર થવું પડે છે. સોસાયટીઓ સાંકડા માર્ગોનો સર્વિસ રોડની માફક ઉપયોગ કરતો હોવાથી અકસ્માતનો ભય સતત ઝળુંબતો રહે છે.

- text

આ સમગ્ર મામલે સ્થાનિકોએ જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાને વાકેફ કર્યા હોય રાજકોટીયા લાલધુમ થઈ મેદાને આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે સોસાયટીના રસ્તાનો ઉપયોગ સર્વિસ રોડની અવેજીમાં ન થઈ શકે. માટે જરૂરી તમામ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓ કરાવે, અન્યથા રોડ બંધ કરી દેવાની ચિમકી રાજકોટિયાએ ઉચ્ચારી છે. હવે જોવુ રહ્યું કે દરરોજ સવારે અહીથી પસાર થતા સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ ધારાસભ્ય લલિતભાઈ કગથરા ઉચ્ચ નોકરશાહો પાસે આ સમસ્યાનું નિરાકરણ લાવવા કેવીક કામગીરી કરાવડાવે છે.

- text