હળવદ : ટેકાના ભાવે મગફળીના વેચાણને વર્ષ થયું પણ હજુ રૂપિયા નહિ મળતા ખેડૂતોમાં આક્રોશ

- text


સુખપર ગામના ખેડૂતે મગફળીના પૈસા તાત્કાલિક નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી

હળવદ : ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી તો ખરીદાય છે પરંતુ એક વર્ષ થવા છતાં હજુ ખેડૂતને મગફળીના રૂપિયા ન આપ્યા હોવાનો ચોંકાવનારો બનાવ તાલુકાના સુખપર ગામે પ્રકાશમાં આવ્યો છે. અહીંના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર એક વર્ષ પહેલા મગફળીનું વેચાણ કર્યું હતું પરંતુ આજ દિન સુધી તે મગફળીના રૂપિયા નહીં આવતા ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડ ખાતે ચાલતા ખરીદી કેન્દ્ર પર દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી અમારા જ પાકના પૈસા લેવા માટે અમારે દર-દર ભટકવું પડી રહ્યું છે. જેથી, હવે અમે તંગ આવી ગયા છીએ અને આગામી દિવસોમાં જો હવે પૈસા નહીં ચૂકવવામાં આવે તો સામૂહિક આત્મવિલોપન કરીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે. પુરવઠા નિગમ દ્વારા દર વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય છે પરંતુ ‘પાડાના વાંકે પખાલીને ડામ દે’ તેવી રીતે સેલિંગ તકલીફ અને બેંકોના આઈએફસી કોડ માટે એક વર્ષ વીતવા છતાં ખેડૂતોને મગફળી વેચાણ કરેલ ના રૂપિયા નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

આજે સુખપર ગામના ખેડૂત ભરતભાઈ સહીત ચાર ખેડૂતોએ હળવદ યાર્ડ ખાતે ચાલતા મગફળી મગફળી ખરીદી કેન્દ્ર પર ધસી આવી અધિકારીને વહેલી તકે રૂપિયા ચુકવવા માંગ કરી હતી. તેમજ તેઓ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે હવે આગામી દિવસોમાં તાત્કાલિક પૈસા નહીં ચૂકવવામાં આવે તો સામૂહિક આત્મવિલોપન કરીશું. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમો દ્વારા છેલ્લા એક વર્ષથી મામલતદાર, ધારાસભ્ય, કલેકટર, જિલ્લા ખેતીવાડી અધિકારી અને કૃષિમંત્રી સુધી રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી અમો દ્વારા કરાયેલી રજૂઆતો ધ્યાને લેવામા નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો દ્વારા એક વર્ષ પહેલા વેચેલી મગફળીના રૂપિયા ચૂકવવામાં આવે છે કે ખેડૂતોને આમ જ ધક્કા ખાવા પડશે?

- text