મોરબી : નહેરુગેટ ચોકમાં ડુંગળીના ભાવ વધારાનો અનોખો વિરોધ કરાયો

- text


મોરબી : ચાલુ વર્ષે અનિયમિત ચોમાસુ અને પાછળથી પડેલા માવઠાને કારણે ડુંગળીનું ઉત્પાદન 50 ટકા જેટલું ઓછું થયું છે. વળી પાછોતરા માવઠાને કારણે બાકીની ડુંગળી પણ અડધો અડધ બગડી જતા તેમજ મહારાષ્ટ્રના નાસિકમાં પણ આવી જ હાલત હોવાથી ડુંગળીના ભાવમાં ભડકો થયો છે.

ડુંગળીના ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર વર્તાતા લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવાસ યોજનાના રહીશો દ્વારા આજે સવારે મોરબીના નહેરુગેટ ચોકમાં તેમજ આવાસ યોજનાના ક્વાર્ટરમાં ડુંગળીના ભાવ વધારાને લઈને સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ મોંઘા ભાવની કસ્તુરીના હાર-માળા બનાવીને પોતાના ગળામાં ઘરેણાની માફક ધારણ કરી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. આ વિરોધને જોવા કુતુહલવશ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. નગરજનોએ પણ આ વિરોધમાં પોતાનો સુર પુરાવ્યો હતો. બીજી તરફ સરકારે ઇજિપ્ત સહિતના દેશોમાંથી ડુંગળી આયાત કરવાના ઓર્ડર આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જો વિદેશી ડુંગળીની આયાત કરવામાં આવશે તો ડુંગળીના ભાવ ઓછા થશે જે, ખેડૂત નથી ઇચ્છતો અને ભાવ વધારો કાબુમાં લેવો એ પણ સરકારની મજબૂરી બની છે ત્યારે તંત્રએ બન્ને બાજુથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે હાલ માર્કેટિંગયાર્ડમાં ડુંગળી 45થી 65 રૂપિયા કિલ્લોના ભાવે હોલસેલમાં ક્વોલિટી પ્રમાણે વેચાઇ રહી છે. જે ખુલ્લી માર્કેટમાં આવતા આવતા 85થી 100 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે. આથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેનો આજે મોરબીના નહેરુગેટ ચોકમાં પડઘો પડ્યો હતો.

- text