મુંબઈના ગારમેન્ટ ધંધાર્થી દંપતીને મોરબી બોલાવી આઠની ટોળકીએ લૂંટી લીધા

- text


ઓનલાઈન બિઝનેસ કરવા સસ્તાની લાલચે મુંબઈથી મોરબી આવેલા દંપતી બન્યા લૂંટનો ભોગ : એક ઝડપાયો, સાતની શોધખોળ ચાલુ

મોરબી : મોરબી નજીકના અણીયારી ગામ પાસે બોલાવીને મુંબઈના વેપારી દંપતિ પાસેથી આઠ લોકોની ચિટર ગેંગએ રૂા. ચાર લાખની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આઠ પૈકીના મુંબઈના એક શખ્સને દબોચી લેવામાં સફળતા મળી છે અને બાકીના સાતની મોરબી તાલુકા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ફેસબુક ઉપર સંપર્ક સાધી સસ્તામાં કુર્તી આપવાની લાલચ આપ્યા બાદ ચીટર ગેંગે અમદાવાદમાં એકાદ માસ અગાઉ કુર્તીના નમુના બતાવ્યા હતા અને પેમેન્ટ આપીને માલ લઈ જાઓ, માલ રેડી છે તેમ કહી વેપારી દંપતીને મોરબી બોલાવીને ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અણીયાળી ગામ પાસેના રસ્તા પાસે બોલાવીને મુંબઈના વેપારીને લૂંટી લેવાનો બનાવો સામે આવ્યો છે, જે બનાવમાં ભોગ બનનાર કમરજહાન ઉર્ફે નિશાબેન મોહમ્મદ મુસ્તુફા સૈયદ (કમરજહાન ઉર્ફે નિશાબેન મહમદહફીસ અંસારી) રહે. મુંબઈ બાંદ્રા ઇસ્ટ, કોયલેવાલી ગલી, સબાના મેડિકલ નજીક, નામની ત્રીસ વર્ષીય મહિલા કે જે કાપડનો ધંધો કરે છે તેણીએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ બીપીનસિંગ ઉર્ફે વિકી અભયનાથ યાદવ (રહે. મુંબઈ અંધેરી વેસ્ટ) નામના શખ્સે ફેસબુક ઉપર કુર્તીના ફોટા મુક્યા હોય અને સ્ટોક કલીયર કરવાનો હોવાથી સસ્તામાં કુર્તિ આપી દેવી છે તેવું જણાવેલ હતુ. જેથી કમરજહાનબેન મહમદહફીઝ અંસારીએ તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને બાદમાં બીપીનસિંગે એકાદ માસ અગાઉ અમદાવાદ નજીક કુર્તીના નમુનો બતાવવા માટે બોલાવ્યા હતા. થોડા સમય બાદ માલ તૈયાર થઈ જાય એટલે તેઓને માલની ડિલિવરી આપવાની વાત કરી હતી.

- text

જેથી ગઇકાલના રોજ આરોપીઓએ તેઓને માલની ડીલીવરી લેવા માટે પૈસા લઇને આવવાનું જણાવાયેલ હોય કમરજહાનબેન અને તેમના પતિ મહંમદહાફીઝ અન્સારી મોરબી આવ્યા હતા. મોરબી નજીકના અણીયારી ગામ નજીક તેઓને બોલાવાયા હતા. જેથી તેઓ કારમાં ત્યાં ગયા હતા. આ સમયે બીપીનસિંગ યાદવ ઉર્ફે બીકી યાદવ પણ તેઓની સાથે હતો અને બીપીનસિંગે અમદાવાદ ખાતેથી ઓન લાઈન કાર ભાડે કરી હતી અને તેમાં જ તેઓ અણીયારી ચોકડી નજીક પહોંચ્યા હતા. ઘણા સમય સુધી જુદા જુદા સ્થળોએ ફેરવ્યા બાદ અણીયારી ગામ તરફ જવાના રસ્તે કાર અટકાવી હતી. ત્યારે જ ત્યાં એક વર્ના કારમાં રાજુભાઈ કે જેનું નામ યુસુફ કાદર જેડા (રહે. માળીયા મિયાણા) અને સલીમ દાઉદ માણેક (રહે.વીસીપરા મોરબી) આવ્યા હતા અને પૈસા આપવાનું જણાવતા ફરિયાદી બહેનના પતિ મહમદહાફીઝએ તેમની પાસે રહેલ થેલો અને પૈસા બતાવ્યા હતા. જેથી કારમાં બેસીને યુસુફ કાદર જેડા પૈસા ગણવા લાગ્યો હતો. તે દરમ્યાન એક અન્ય સ્વીફટ કાર કે જેની અંદર પાંચ અજાણ્યા શખ્સો બેઠા હતા, તેઓએ આવીને સલીમ માણેકની પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં જેની પાસે પૈસા હતા તેવા યુસુફ જેડાને સ્વીફ્ટ કારમાં બેસાડીને તેઓ નાસી છૂટયા હતા.

આમ સસ્તામાં કુર્તી દેવાનું કહીને તેઓને માલની ડિલિવરી આપવા બોલાવીને આઠ શખ્સો દ્વારા વેપારી દંપતીને લૂંટી લેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ભોગ બનનારે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી હતી. ભોગ બનનાર કમરજહાન ઉર્ફે નિશાબેન મહમદહફીસ અંસારી (રહે. મુંબઈ બાંદ્રા ઇસ્ટ)એ મોરબી તાલુકા પોલીસમાં ઉપરોકત બનાવ અંગે મુંબઇના બીપીનસિંગ યાદવ, રાજુભાઈ કે જેનું નામ યુસુફ કાદર જેડા (રહે. માળીયા(મિં)) અને સલીમ દાઉદ માણેક (રહે.વીસીપરા મોરબી)ના નામ જોગ તેમજ સ્વીફટ કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સો એમ કુલ મળીને આઠ વિરૂદ્ધ ગુનો નોંધાવેલ છે. જે દરમિયાન મુંબઇના બીપીનસિંગ યાદવ ઉર્ફે વીકીને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ સાત ચિટરોની મોરબી તાલુકા પી.એસ.આઇ. એમ.વી.પટેલ સહિતના સ્ટાફે શોધખોળ ચાલુ કરી છે.

- text