મોરબી : રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

- text


વડાપ્રધાન દ્વારા દિલ્હી ખાતેથી લોન્ચ કરાયેલ ફીટ ઇન્ડિયા કાર્યક્રમને વિદ્યાર્થીઓએ નીહાળ્યો

મોરબી : સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે મોરબીમાં પણ જિલ્લા કક્ષાની ઉજવણી નવજીવન ન્યુ એરા પબ્લીક સ્કુલ મધ્યે યોજાઇ હતી જેમાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ સિક્કો ઉછાળીને કબડ્ડીની રમતને સ્ટાર્ટ આપી હતી. આ નિમિત્તે વિદ્યાર્થીઓને હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના જીવન અંગે પણ માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર. જે. માકડીયાએ ઉપસ્થિત રમતવીર વિદ્યાર્થીઓને સંબોધીત કરતાં જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીના જીવનમાં ખેલકુદનું સ્થાન હોવું જ જોઇએ. વડાપ્રધાન પણ સ્પોર્ટસને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. સ્પોર્ટસની સ્કીલ હશે તો જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી પડશે તો તેનો રસ્તો સરળતાથી કાઢી શકાશે. શાળા જીવનમાં દરેક વિદ્યાર્થીએ રમતગમત પ્રત્યે રુચી રાખવી જોઇએ તેમ જણાવ્યું હતું.નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઇ આગળ વધવા જણાવ્યું હતું. આ પ્રસંગે સ્કુલની બાળાઓ અસ્તીકા ગઢવી અને સવાઈ ગઢવીએ રાજ્ય લેવલે કબ્બડીમાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ મહાનુભાવો દ્વારા સન્માન કરાવામાં આવ્યું હતું.

- text

તેમજ ઉપસ્થિત બાળકોને રમતમાં રૂચી કેળવાય તે માટે ફિટનેશ અંગેની પ્રતિજ્ઞા લેવડાવાવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી ફીટ ઇન્ડિયા કાર્યક્રમનું લોંચીંગ કર્યું હતું જેને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ જીવંત પ્રસારણ દ્વારા નિહાળ્યું હતું. આ વેળાએ પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, સિનિયર કોચ રવીભાઇ ચૌહાણ, મોરબી મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં રમતવીર વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં સ્કુલના સંચાલક હાર્દીક પાડલીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

- text