મોરબીમાં કૃષિ મહોત્સવ સંપન્ન : પ્રગતિશીલ ખેડૂતોનું અદકેરું સન્માન

- text


 

50 મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ : ખેડૂતોને અપાયું વિશેષ માર્ગદર્શન

મોરબી : મોરબીમાં આજે કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં 50 મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ મહોત્સવમા ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રગતિશીલ ખેડૂતોનું અદકેરું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતો તેમજ કૃષિ સાથે સંકળાયેલી મહિલાઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. 50 મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે ખેતીને પોષણક્ષમ બનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. સરકારે 5 હજાર કરોડના ખર્ચે ખેતપેદાશોને ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેતી અને ખેડૂત સમૃદ્ધ થશે તો રાજ્ય અને દેશ પણ સમૃદ્ધ થશે. જેથી સરકાર ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પગલાઓ લઈ રહી છે. ખેડુતો ખેતીમાં નાનામાં નાની ચોક્સાઈ રાખે તો ચોક્કસપણે સમૃદ્ધ થઈ શકે છે.

વધુમાં તેઓએ ઓર્ગેનીક ખેતી તરફ આગળ વધવાની ખેડુતોને અપીલ કરી હતી. ઉપરાંત શાકભાજી ઉપર દવાના છંટકાવ કરવાથી કેન્સર થવાની સંભાવના હોવાથી શાકભાજીને હંમેશા ગરમ પાણીથી ધોવાનું જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યુ કે બહેનોએ પણ પશુપાલન કરી આગળ આવવું જોઈએ. ખેડૂતો વધુ વૃક્ષો વાવીને પોતાની આવક પણ વધારી શકે છે. સાથો સાથ ગ્લોબલ વોર્મિંગની અસરને પણ ઘટાડી શકે છે.

- text

આ તકે કૃષિ વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ ખેડૂતોને ઝીણવટભરી ઉપયોગી માહિતી પ્રદાન કરી હતી. સાથોસાથ આર.એચ.લાડાણીએ પણ બાગાયતી ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં આત્મા ખેડૂત હેઠળ વાંકાનેરના દલડી ગામના મહંમદયુસુફ હુસેનભાઈ પરાસરાને જિલ્લા કક્ષાના વિજેતા જાહેર કરીને રૂ. 25 હજારનો પુરસ્કાર જ્યારે મોરબીના લક્ષ્મીનગર ગામના મહાદેવભાઈ વશરામભાઈ વીરસોડીયાને તાલુકા કક્ષાના વિજેતા જાહેર કરીને રૂ. 10 હજારનો પુરસ્કાર અર્પણ કરવામા આવ્યો હતો.

આ ઉપરાંત ખેતીવાડી વિભાગમાં આવતા પ્રગતિશીલ ખેડૂતોમાં બિલિયા ગામના કાંતિલાલ મગનભાઈ પેથાપરા, ખાખરાળા ગામના શિવલાલભાઈ રાઘવજીભાઈ ડાંગર, ખારચિયા ગામના પરાક્રમસિંહ કિરીટસિંહ જાડેજા અને બાગાયત વિભાગના પ્રગતિશીલ ખેડૂતોમાં લક્ષ્મીનગર ગામના સતીશભાઈ વલમજીભાઈ વીરસોડીયા, ઝીકિયારી ગામના જયંતિભાઈ મગનભાઈ ભાટિયા તેમજ પશુપાલન વિભાગમાં ચાંચાપર ગામના નિલેશભાઈ દેવકરણભાઈ સંઘાણીનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ સાથે સંકળાયેલ મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text