મોરબીના વેપારીઓએ ચેતવા જેવો કિસ્સો : ફોન પેની મદદથી ઓનલાઈન ફ્રોડનો પ્રયાસ

- text


ફ્રીઝ લેવા માટે ફોન પેમાં પૈસા ટ્રાન્સફર કરી આપવાનું કહ્યા બાદ પૈસા મોકલવાની રિકવેસ્ટ મોકલી : શો રૂમના માલિકની જાગૃતતાથી ફ્રોડનો પ્રયાસ નિષ્ફળ ગયો

મોરબી : મોરબીમા ટીવી અને ફ્રીઝ સહિતની ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓના બે શોરૂમમાં એક ઠગે ફોન કરીને ફ્રીઝ લેવાની તૈયારી દર્શાવી ફોન પે પર પેમેન્ટ કરી આપવાનું જણાવ્યું હતું. બાદમાં આ ઠગે પેમેન્ટ કરવાને બદલે સામી પેમેન્ટની રિકવેસ્ટ નાખીને વેપારીને ધૂતવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વેપારીની જાગૃતતાથી આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

મોરબી શહેરમાં એલજી શોપ વિયાન્સ કોર્પોરેશન પોતાના બે શો રૂમ ધરાવે છે. બન્ને શો રૂમમાં મો.નં. 96493 25022 ઉપરથીફોન આવ્યા હતા. જેમાં હિન્દી ભાષામાં એક ઠગે કહ્યું હતું કે હું રાજસ્થાનથી અનિલ ઘાંગલ વાત કરૂ છું. હું આર્મીમેન છું. મારા પપ્પા ત્યાં રહે છે. તેઓના માટે એક ફ્રીઝ લેવું છે. હું તમને ફોન પે ઉપર પૈસા ટ્રાન્સફર કરું છું. બાદમાં તમે હું કહું તે એડ્રેસ પર ફ્રીઝની ડિલિવરી કરી આપજો.

- text

ફોન પર હિન્દી ભાષી શખ્સની એક પણ વાત શંકા ઉપજાવે તેવી ન હતી. પરંતુ આવા એક જ સરખા ફોન બન્ને ઑફિસે આવતા એલજી શોપ વિયાન્સ કોર્પોરેશનના માલિક સન્નીભાઈને શંકાસ્પદ બનાવ લાગ્યો હતો. બાદમાં બન્ને શો રૂમના મોબાઈલ નંબરો ઉપર ફોન પે મા પેમેન્ટ કરવાને બદલે રૂ. ૨૦ હજારની પેમેન્ટ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારે સન્નીભાઈએ તુરંત જ જાગૃતતા બતાવીને આ રિકવેસ્ટને ડીનાઇડ કરી દઈને સમગ્ર ઘટના પોતાના વેપારીઓના વોટ્સ એપ ગૃપમાં ફોરવર્ડ કરી દીધી હતી. જેથી કોઈ બીજો વેપારી આ ઓનલાઈન ફ્રોડનો ભોગ ન બને.

ગુજરાત રાજ્યની બહાર બેસીને ઓનલાઈન ફ્રોડ કરતા આ શખ્સે જે પેમેન્ટ રિકવેસ્ટ મોકલી હતી. તે રીકવેસ્ટ જો વેપારી ભૂલથી ઍસેપ્ટ કરી નાખત તો વેપારીના ખાતામાંથી પૈસા કપાઈને સીધા રિકવેસ્ટ મોકલનાર ઠગના ખાતામાં ચાલ્યા જાત. જો કે આ બનાવમાં વેપારીની જાગૃતતાથી ઓનલાઈન ફ્રોડનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. પરંતુ શહેરના વેપારીઓએ આવા બનાવથી ચેતવાની તાતી જરૂરિયાત છે.

- text