મોરબીમાં યુવાનને પાન રૂ.3 લાખમાં પડ્યું

- text


ત્રાજપર ચોકડી પાસે યુવાન કાર ઉભી રાખીને પાન ખાવા ગયોને એટલીજ વારમાં ગઠિયો કારના કાચ તોડી રૂ.3 લાખ ભરેલો થેલો ઉપાડી ગયો : ગઠિયો સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે કાર ઉભી રાખીને યુવાન બાજુની દુકાને પાન ખાવા ગયો હતો.એટલી જ વારમાં તેમની કારના આજાણ્યા શખ્સે કાચ તોડી કારમાં રાખેલા રૂ 3 લાખ ભરેલો થેલો ઉપાડીને રફુચક્કર થઈ ગયો હતો.આ ઘટના સીસીટીવીમાં કેદ થતા બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગત મુજબ મોરબીના વાધપર પિલુડી ગામે રહેતા નંદલાલભાઈ ગોપાલભાઈ બાવરવા ઉ.વ.32 આજે પોતાની કારમાં બેકના કામકાજ અર્થે મોરબી આવ્યા હતા.તેમના ભાઈની કારની બેક લોન કિલિયર કરવા માટે રૂ.3 લાખ થેલામાં લઈને આવ્યા હતા અને પ્રથમ મોરબીના રવાપર રોડ પર આવેલ એચ.ડી.એફ.સી.બેકમાં સ્ટેટમેન્ટ કઢાવી સામાકાંઠે લાલપર નજીક શકિત ચેમ્બરમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં કારની લોનના પૈસા ભરવા જતા હતા.ત્યારે ત્રાજપર ચોકડી પાસે ટ્રાફિક હોવાથી ત્યાં કારને પાર્ક કરીને પટેલ પાનની દુકાને પાન ખાવા ગયા હતા એટલી જ વારમાં અજાણ્યા શખ્સે તેમની કારના કાચ તોડીને અંદર રહેલા રૂ.3 લાખ ભરેલો થેલો લઈને નાસી છૂટ્યો હતો.આ બનાવની જાણ તથા તેમણે આ બનાવની બી ડિવિઝનમાં ફરીયાદ નોધાવી છે.આ બનાવની પોલીસે તપાસ કરતા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરામાં એક ગઠિયો કળા કરતો દેખાયો હતો.જો કે આ ગઠિયો તેમનો મોરબીની એચડીએફસીબેક ખાતેથી જ તેમનો પીછો કરતો હતો અને તક મળતા તે થેલો ઉઠાવી ગયો હતો.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

- text