મોરબીમાં ૮૪ કલાક બાદ ઇન્કમટેક્સના દરોડા પૂર્ણ : ક્રોસ તપાસ યથાવત

- text


૨૦૦ અધિકારીઓના કાફલા દ્વારા ૩૭ સ્થળોએ કાર્યવાહીમાં ૪.૮૦ કરોડ રોકડા જપ્ત કરી ૨૮ લોકર કર્યા સીલ

૨૪ ઘર અને ૧૩ પ્લાન્ટ ઓફિસોમાં મેરેથોન દરોડા ૮૪ કલાકથી વધુ ચાલ્યા : હવે અન્ય રાજ્યોમાં તપાસ લંબાશે

મોરબી : મોરબીના કોરલ અને કૅપશન સિરામિક ગ્રુપ ઉપર ગુરુવારે વહેલી સવારથી ઇન્કમટેક્સ દ્વારા શરૂ થયેલ દરોડાની કાર્યવાહી આજે ૮૪ કલાકથી વધુ સમય બાદ પૂર્ણ થઈ છે, જો કે ઇન્કમટેક્સના આ મેરેથોન દરોડા દરમિયાન આઇટી વિભાગના હાથ કરોડોના કબૂતર બીલિંગનું સાહિત્ય હાથમાં આવી જતા ક્રોસ તપાસ અને બેન્ક લોકર સહિતની તપાસ હજુ આવનાર અનેક દિવસો સુધી ચાલુ રહેનાર હોવાના સંકેતો આઇટી વિભાગે આપ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કોરલ અને કૅપશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે સૌથી લાંબા સમય સુધી ચાલે તેવા અને સમગ્ર સિરામિક ઉદ્યોગ જગતને હચમચાવી નાખે તેવા મેરેથોન દરોડાની કાર્યવાહી આજે ૮૪ કલાકની સતત તપાસ બાદ પૂર્ણ થઈ છે. આ મેગા દરોડામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ૪ કરોડ ૮૦ લાખ રોકડ રકમ કબજે કરી ૨૮ બેંક લોકર સિલ કર્યા છે અને કબૂતર બીલનું રહસ્ય ખોલી નાખી કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો શોધી કાઢી લાખો રૂપિયાના દાગીના પણ કબજે કર્યા છે.

વધુમાં ગુરુવારે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગના ૨૦૦ જેટલા ચુનંદા અધિકારીઓ દ્વારા કેપશન અને કોરલ ગ્રુપ સાથે સંકળાયેલ લોકોના ૨૪ ઘર અને ૧૩ પ્લાન્ટ અને ઓફિસમાં સર્ચ અને સર્વે કરી મોટાપાયે બે નંબરી વ્યવહારો શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

- text

ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સના આ દરોડામાં કબૂતર બિલ એટલે કે જીએસટી ચોરીના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા બે નંબરી વ્યવહારો ઇન્કમટેક્સના હાથમાં આવી જતા હવે બીજા મોટા પગલાં રૂપે ઇન્કમટેકસ દ્વારા આવનાર દિવસોમાં મુંબઈ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં બે નંબરી માલ ખરીદનારા વેપારીઓને ત્યાં તવાઈ ઉતારવા તખ્તો તૈયાર કરી લીધો હોવાનું પણ ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

જો કે મોરબી સીરામીક ઉદ્યોગ જગતને હચમચાવનાર આઈટી સર્વે અને દરોડાની કાર્યવાહી પુર્ણ થઈ ગઈ છે પરંતુ ૩૭ સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા બાદ મોટા પ્રમાણમાં બેનામી હીસાબી સાહીત્ય જપ્ત કરેલ હોય એ તપાસ હજુ પણ આગામી અનેક દિવસો સુધી ચાલશે અને સીલ કરાયેલ લોકરો ખોલવાની કાર્યવાહી પણ બાકી હોય આવકવેરા વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ માટે ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text