એક કિલોનું એક જામફળ ! ટંકારાના જબલપુરના ખેડૂતની કમાલ

- text


મગફળી – કપાસને બદલે થાઈલેન્ડના જામફળની ખેતી કરી કમાઈ છે લાખો રૂપિયા

ટંકારા : જો ખેડૂત પ્રયોગશીલ બને તો બાપડા બિચારાપણામાંથી ચોક્કસથી બહાર આવી શકે છે, જી હા ટંકારાના જબલપુર ગામના ખેડૂતે કપાસ, મગફળી, ઘઉં બાજરી તડકે મૂકી થાઈલેન્ડના જામફળની ખેતી શરૂ કરી વર્ષે દહાળે લાખો રૂપિયાની નિરાંતની આવક મેળવવાનું શરૂ કર્યું છે.

રાજકોટ મોરબી હાઇવે ઉપર પસાર થાવ એટલે ટંકારા ગામથી બે કિલોમીટર પહેલા રોડ ઉપર જ માંડવો નાખી જામફળનું વેચાણ થઈ રહ્યું છે પહેલી નજરે માન્યામાં પણ ન આવે તેવા એક કિલોગ્રામથી લઈ પોણો કિલો અને નાનામાં નાનું જામફળ ૩૦૦ ગ્રામથી વધુ વજનનું જોઈ આ જામફળ બહારથી અહીં વેચાણ માટે રાખ્યાનું લાગે, પરંતુ હકીકતમાં આ કમાલ કરી છે ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂત મગનભાઈએ…કપાસ મગફળી જેવા પાક એક બાજુ મૂકી મગનભાઈએ થાઈલેન્ડ જામફળ તરીકે ઓળખાતી જાતને પોતાની વાડીમાં વાવેતર કરી સંપૂર્ણ પણે ગાય આધારિત અને ટપક પદ્ધતિની ખેતી અપનાવી નિરાંતે લાખો રૂપિયાની આવક મેળવવાનો આઇડીયો અમલમાં મુક્યો અને આજે સફળ પણ થઈ ગયા.

ટંકારાના જબલપુર ગામે જામફળની ખેતી કરતા મગનભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, કપાસ, મગફળી,ઘઉં, બાજરો સહિતના પાક દર વર્ષે લેતા ખેડૂતો જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર મળતું નથી તેવી તેમની ફરિયાદ રહેતી હોય છે પરંતુ તેઓ તેમના ખેતરમાં પાક બદલાવવાની કે પછી કોઈ ફેરફાર કરવાની તસ્દી લેતા નથી જેના કારણે સારી આવક મેળવી શકતા નથી મગનભાઇએ તેની વાત કરતા કહ્યુ હતુ કે, હું છેલ્લા પાંચ વર્ષથી જામફળની ખેતી કરૂ છું અને ધીરજ ના ફળ મીઠા કહેવતને જીવનમાં ઉતારી આજે શાંતિપૂર્વક જામફળ વેચી એ પણ મારી વાડીએથી જ માનમાનતી આવક કમાઈ રહ્યો છું.

મગનભાઈએ પાંચ વર્ષ પહેલા થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને છત્તીસગઢના રાયપુર ખાતેથી થાઈલેન્ડના જામફળના ૫૦૦૦ જેટલા રોપા લાવીને ૨૬ વીઘાના ખેતરમાં તેનુ વાવેતર કર્યું હતું અને શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાના બદલે આ ખેડૂતે બે વર્ષ સુધી પાકને ખેરવી નાખ્યો હતો જેના કારણે આ જામફળના રોપા મોટા થઇ જવાથી હાલમાં સરેરશ ૨૫૦ ગ્રામથી સવા કિલો કરતા વધારે વજનદાર જામફળનો પાક તેઓને મળી રહ્યો છે

જામફળની ખેતી કરનાર મગનભાઈના પત્ની ગૌરીબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં થાઇલેન્ડના આ જામફળને મોકલાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાજ્ય બહાર પણ થાઈલેન્ડના જામફળનું માર્કેટ હોવાથી ત્યાં પણ આ જામફળ મોકલાવવામાં આવી રહ્યા છે વધુમાં વિગત આપતા તેમણે કહ્યુ હતુ કે,આ રોપાની માવજત પુરી કરવી પડે છે અને જામફળના છોડમાં ઉધઇ ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તે માટે પણ પુરતી કાળજી લેવી પડે છે તો પણ અન્ય પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે તેના કરતા ઓછી મહેનતે સારુ એવુ વાળતર આ જામફળની ખેતીમાં મળી રહે છે.

હાલમાં મગનભાઈ મોરબી હાઇવે ઉપર પોતાના ખેતમજૂર ભુપતભાઇનો સાથ મેળવી ઘરઆંગણે જ વેપાર કરી તગડી કમાણી કરી રહ્યા છે ત્યારે અન્ય ખેડૂતે પણ આવા પ્રયોગાત્મક નિર્ણય લઈ વરસાદ આધારિત ખેતીને બદલે ટપક અને ગાય આધારિત ખેતી અપનાવે તો ચોક્કસ પણ આર્થિક રીતે મજબૂર થવાની સાથે દિવસે દિવસે ખતમ થતી ખેતીવાડી બચાવી શકશે.

- text

- text