ડેમુ ટ્રેનની બ્રેક ફેઈલ : મુસાફરોના જીવ પડીકે બંધાયા

- text


વાંકાનેરથી મોરબી આવતી વેળાએ ઢુંવા નજીક બ્રેક ફેઈલ : માળીયા સુધીના તમામ ફાટક બંધ કરાવાયા

મોરબી : આજે સવારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ ડેમુ ટ્રેનની બ્રેક ફેઈલ થઈ જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે ટ્રેન ડ્રાઇવરે મહામુસીબતે મકનસર નજીક ટ્રેનને થોભાવી દેતા મોટો અકસ્માત થતા સહજ માં અટક્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ ડેમુ ટ્રેન ઢુંવા પહોંચતા ડ્રાઇવરે સ્ટોપ કરવા બ્રેક મારતા ડેમુ ઉભી રહેવાને બદલે સડસડાટ ભાગી હતી જેને પગલે બ્રેક ફેઈલ હોવાનો અંદાજ આવી જતા જ ડ્રાઇવરે ટ્રેન થોભાવવા અનેક પ્રયાસ કર્યા હતા.

- text

બીજી તરફ ડેમુની બ્રેક ફેઈલ થઈ હોવાની જાણ થતાં જ રેલવે વિભાગ હરકતમાં આવ્યો હતો અને માળીયા સુધીના તમામ ફાટક બંધ કરાવી નાખ્યા હતા, જો કે સદનસીબે ડ્રાઇવરે મકનસર નજીક ટ્રેનને કાબુમાં લઈ થોભાવતા મુસાફરોને હાશકારો થયો હતો.

દરમિયાન બ્રેક ફેઈલ ડેમુને મોરબી લાવવા રેલવેએ બીજું એન્જીન રવાના કર્યું હોવાની વિગતો સાંપડી રહી છે.

- text