ગુડ ન્યુઝ : વૃધ્ધાશ્રમમાં રહેતા ૧૦ વડીલો સંસ્થાની સમજાવટથી કુટુંબ સાથે પુનઃ રહેવા ગયા

- text


જીવનની ઢળતી સંધ્યાએ મોરબીના બે વૃધ્ધાશ્રમમાં ૫૫ વૃદ્ધો આશ્રય લઈ રહયા છે : સંતાનો વગરના વડીલો અને અપરણિતોનું વધુ પ્રમાણ

મોરબી : ભૂલો ભલે બીજું બધું, માં- બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહિ… આજના ભણેલા ગણેલા અને બુદ્ધિજીવી સમાજમાં પણ પોતાના સંતાનો પાછળ જિંદગી ન્યોછાવર કરી દેનાર સાક્ષાત ભગવાન જેવા માતા – પિતાને તરછોડી દેવાનો સિલસિલો યથાવત છે ત્યારે મોરબીમાં છેલ્લા પાંચ વર્ષમાં મોરબીના બે વૃધ્ધાશ્રમમાં આવતા વડીલોની સંખ્યા ઘટી છે જે આજની વ્યવસ્થા માટે ખૂબ જ સારી બાબત છે.

મોરબી શહેરમાં હાલમાં બે વૃધ્ધાશ્રમો આવેલા છે જેમાં સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ પર કાઠિયાવાડ બાલાશ્રમ રાજકોટ સંચાલિત વૃધ્ધાશ્રમમાં હાલમાં ૫૦ વડીલો આશ્રય લઈ રહ્યા છે, સંસ્થાના સંચાલક સુષ્માબેન પટ્ટણીના મતે અહીં આવતા મોટાભાગના વડીલો કાં તો અપરણિત છે, અથવા તો કેટલાક વડીલોને સંતાન નથી, ઘણા ખરા કિસ્સામાં દીકરા હોવા છતાં મનમેળ ન રહેતા આ વડીલો અહીં આશ્રય લઈ રહ્યા છે.

- text

જો કે મજાની વાત તો એ છે કે, વૃધ્ધાશ્રમ દ્વારા અહીં આશ્રય લઈ રહેલા સંતાન વાળા વૃદ્ધોને પુનઃ કુટુંબ સાથે સંબંધો સ્થાપિત કરવા નેક પ્રયાસ કરવામાં આવે છે જેનું સારું પરિણામ મળ્યું છે અને હાલમાં દશેક વૃદ્ધો પોતાના કુટુંબ સાથે પુનઃ રહેવા ગયા છે અને સુમેળભર્યા સંબંધો થકી ફરી પાછી કુટુંબ ભાવના કેળવાય છે. દરમિયાન વૃધ્ધાશ્રમના સંચાલક સુષ્માબેન પટ્ટણીના મતે પાછલા પાંચ વર્ષના સમયગાળામાં સમાજ વ્યવસ્થામાં બદલાવ જરૂરથી આવ્યો છે જેના પરિણામ સ્વરૂપ અહીં આવતા વડીલોની સંખ્યામાં વધારો થતો અટક્યો છે

જ્યારે મોરબીમાં વિશિપરા વિસ્તારમાં આવેલ બીજા વૃધ્ધાશ્રમ એટલે કે અનાથ આશ્રમમાં પણ છેલ્લા પાંચ વર્ષથી પાંચ વડીલો આશ્રય લઈ રહ્યા છે અને શાંતિપૂર્વક જીવનની ઢળતી સંધ્યાનો સમય પસાર કરી રહ્યા છે અહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં વડીલો વૃદ્ધોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો થયો નથી.

દરમિયાન વૃધ્ધશ્રમના સંચાલક સુષ્માબેન પટ્ટણીના મતે પાછલા પાંચ વર્ષના સમયગાળામાં સમાજ વ્યવસ્થામાં બદલાવ જરૂરથી આવ્યો છે જેના પરિણામ સ્વરૂપ અહીં આવતા વડીલોની સંખ્યામાં વધારો થતો અટક્યો છે.

 

 

- text