મોરબીમાં રક્તદાન મહાદાનનો સંદેશો આપતા શિક્ષકો અને શાળા સંચાલકો

- text


નીલકંઠ વિદ્યાલય ખાતે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : સમાજને રક્તદાન મહાદાન નો સંદેશ આપવા આજે મોરબીના શિક્ષકોએ અનેરી પહેલ કરી ૧૦૦૦ બોટલ રક્ત એકત્રિત કરવાના ધ્યેય સાથે અત્રેની નીલકંઠ વિદ્યાલય ખાતે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત જાગૃત નાગરિકોએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.

મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા આજે સવારના આઠથી સાંજ છ વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ મોરબીના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું ઉપરાંત સંસ્કાર લેબોરેટરી, મોરબી અને નાથાણી બ્લડ બેંક રાજકોટને પણ રક્તદાનમાં એકત્રિત થયેલ રક્ત અર્પણ કરવામાં આવ્યુ હતું.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીમાં અકસ્માતો ઉપરાંત અન્ય બનાવો તેમજ ખાસ કરીને કિડનીના દર્દીઓને અવાર નવાર રક્તની જરૂરત પડતી હોય છે પરંતુ રક્તદાન અંગે જાગૃતિના અભાવે સ્વૈચ્છીક રક્તદાન થતું ન હોવાથી બ્લડ બેંકમાં રક્તની અછત રહેતી હોય એ બાબતની લોકોમાં જાગૃતિ આવે તે માટે શિક્ષકો દ્વારા સમાજને સંદેશો આપવામાં આવ્યો હતો.

નીલકંઠ વિદ્યાલય ખાતે યોજયેલ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ કર્યું હતું, કેમ્પને સફળ બનાવવા નીલકંઠ વિદ્યાલયના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં શિક્ષકોના પરિવાર જનો, મહિલાઓ અને મહોરમ પર્વ હોવા છતાં આજે મુસ્લિમ મહિલાઓએ પણ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી રક્તદાન મહાદાનના મંત્રને સાર્થક બનાવ્યો હતો.

આજના આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, નિલેશ કુંડારીયા, દિનેશભાઇ વડસોલા તથા જીતુભાઇ વડસોલા અને જયેશ ગામી, અતુલ પાડલીયા સહિતના શાળા સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો..

- text