ખંડણીના ઇરાદે જ માસુમ બાળક દેવનું અપહરણ થયાનો ધડાકો

- text


મોરબીમાં સિક્યુરિટી એજન્સી ચલાવતો પટેલ શખ્સ દેણામાં આવી જતા અપહરણનો કારસો ઘડ્યો તો..

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગપતિના સાત વર્ષના માસુમ બાળક દેવ પાડલીયાના અપહરણની ઘટના પાછળ ખંડણી પડવાનો ઉદેશ્ય કારણભૂત હોવાનું અને દેણામાં આવી ગયેલ મોરબીના સ્થાનિક પટેલ શખ્સની ભૂંડી ભૂમિકા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે આ સમગ્ર ઘટનામાં કુલ છ શખ્સોની સંડોવણી ખુલવા પામી છે.

હિન્દી પિક્ચરની સ્ટોરીને ટક્કર મારે તેવી આ ચર્ચાસ્પદ અપહરણની ઘટનામાં મોરબીમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા પટેલ શખ્સે દેણામાંથી બહાર આવવા અપહરણનો કારસો ઘડ્યો હોવાની ચોંકાવનારી વિગત લોકોના હાથે ઝડપાઇ ગયેલ અપહરણકર્તા પાસેથી પોલીસે ઓકાવી છે.

પોલીસના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રવાપર રોડ પર રહેતા અને સિરામિક ફેકટરી ધરાવતા જીજ્ઞેશભાઈ પાડલીયાના પુત્ર દેવ ઉ.૭ ને આજે સવારે તેના મમ્મી કિરણબેન સાથે સ્કૂલ બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો જીજ્ઞેશભાઈના નાના ભાઈ સાગરભાઈનું કામ છે બોલાવો કહી કિરણબેનનું ધ્યાન અન્યત્ર દોરી દેવને ઉઠાવી મોટર સાયકલ પર નાસી છૂટી હતા.

દરમિયાન બન્ને આરોપી રફાળેશ્વર તરફ ભાગ્યા હોય પોલીસ અને પરિવારજનોએ બન્ને અપહરણ કર્તાઓનો પીછો કરતા એક આરોપીને દેવના કૌટુંબિક મામા અને જીઆરડી જવાને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા હતા.

- text

બાદમાં પોલીસે ગિરફતમાં આવેલ મૂળ મધ્યપ્રદેશના સની તીરથભાઈ દેવનાની ઉ.૨૭ રે.ભોપાલ, જહાંગીરબાદ, અપ્સરા ટોકીઝ પાછળ મધ્યપ્રદેશ વાળની પૂછપરછ હાથ ધરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા અને સમગ્ર અહરણની ઘટનામાં મોરબીના વિજય મહાદેવભાઈ પટેલ રે.ગંગાદર્શન એપાર્ટમેન્ટ, કેનાલ ચોકડી વાળો મુખ્ય હોવાનું તેમજ આ ઉપરાંત માળીયા મિયાણાના વધારવા ગામના દરબાર યુવાન કુલદીપસિંહ ઉર્ફે પ્રદીપસિંહ વિક્રમસિંહ જાડેજા, રાજસ્થાનના વિજયવાન ગુર્જર,રે ભરતપુર તેમજ આદિત્ય પ્રજાપતિ ઉર્ફે સ્વામી વાળાના નામ ખુલ્યા હતા એ ઉપરાંત અન્ય એક સિક્યુરિટીમેન સુધીર ચોરસિયા પણ આ ઘટનામાં સંડોવાયેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે હાલ શનિ અને સુધીરની ધરપકડ કરી છે. બાકીના ચાર આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દરમિયાન ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે મોરબીમાં સિક્યુરિટી એજન્સી ચલાવતો વિજય પટેલ દેણામાં ડૂબ્યો હોવાથી દેણું ઉતારવા માટે સાગરીતો સાથે મળી આ અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ સદનસીબે પરિવારજનો અને પોલીસની જાગૃતતાથી બાળક હેમખેમ મળી આવતા આરોપીઓનો ખંડણીનો મનસૂબો બર આવ્યો ન હતો.

- text