મોરબી : ઉમેદવારી પત્રો રજુ કરવા ચૂંટણી ઉમેદવારો મોટી સંખ્યામા ટેકેદારો સાથે આવી શકશે નહિ

- text


મોરબી : ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ જુદા-જુદા બે તબકકાઓમાં યોજવાનું જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગોમાં તા.૦૯/૧૨/૨૦૦૧૭ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઈ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા આવે છે. જેના કારણે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર કાઉડીગની પરિસ્થિતિ ઉભી થાય છે. આ સ્થિતિ નિવારવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ હુકમ ફરમાવેલ છે.
ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબક્કે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવારો સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના ચાર અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. એટલે કે કોઈપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહી, ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચુંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશવું નહી, ઉપર મુજબની સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોના ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે,
આ જાહેરનામું તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. તેમજ મોરબી જિલ્લાના તમામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

- text

 

- text