રાજકોટથી જનરેટર સાથે ચોરાયેલ ટ્રક સાથે મોરબીથી ત્રણ ઝડપાયા

- text


પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીઓ સપડાયા

મોરબી : પોકેટ કોપ એપ. દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ત્વરિત ઓળખીને પકડવા શક્ય બન્યા છે. ત્યારે પાંચ દિવસ પહેલા રાજકોટના કાલાવડ રોડ પરથી જનરેટર સાથે ચોરી થયેલા ટ્રકને મોરબી બાજુ વેચવાની પેરવી કરતા રાજકોટના ત્રણ ઇસમોને મોરબી પોલીસે ઝડપી પાડયા છે.

જાણવા મળતી વિગતો મુજબ પો.હે.કોન્સ.જુવાનસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે જુના ઘૂંટુ રોડ પર ઘૂંટુ ગામના સ્મશાન પાસે ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતમાં ટાટા કુ.નો ટ્રક નં.GJ 03 EA 9163 સાથે ઉભા છે. બાતમી વાળા સ્થળે તપાસ કરતા ઉપરોક્ત નંબરના ટ્રક સાથે મળી આવેલા ત્રણ ઈસમોની પોકેટ કોપ મારફત ચકાસણી કરતા આરીફ મહમદ સોરા (ઉં. વ.૧૯) રાજકોટના બી.ડીવી.પો.સ્ટે.માં અગાઉ ચોપડે ચડી ચુકેલો રીઢો આરોપી નીકળ્યો હતો. પોલીસે ટ્રકના આધાર પુરાવા માંગતા ટ્રક રાજકોટથી પાંચ દિવસ પહેલા ચોરી કરેલો હોવાનું તથા મોરબીમાં ભંગાર ખાતે વેચવાની ગણત્રીએ આવ્યા હોવાનું આરોપીએ કબુલ્યું હતું. પકડાયેલ આરોપી સોહિલ ઉર્ફે સોયબ અનવર ડોણકીયા (ઉં. વ.૧૯), રઘુવીરસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉં. વ.૧૯) તથા આરીફ મહમદ સોરા રાજકોટના રહેવાસી છે. ટાટા ટ્રકના મલિક રાજકોટ જાગનાથ-૨ના રહેવાસી જીગ્નેશ દોશીએ પાંચ દિવસ પહેલા જનરેટર સાથેના ટ્રકની ચોરીની ફરિયાદ લખાવી હતી.

- text

પોલીસે ત્રણ આરોપી સહિત ૨.૫ લાખની કિંમતનો ટ્રક તથા ૨.૫ લાખની કિંમતનો જનરેટર સેટ મળી કુલ ૫ લાખના મુદ્દામાલ સમેત ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- text