વાંકાનેર પંથકમાં ટીખળખોરો દ્વારા મોબાઈલ ધારકોને ફેક SMS મોકલી કરાતી હેરાનગતિ

ખાસ સોફ્ટવેરની મદદથી ફક્ત પાંચ જ મિનિટમાં ૧૫૦ એસએમએસનો મારો ચલાવાઈ છે

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ફેક મોબાઇલ એસએમએસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

વાંકાનેર પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી મોબાઇલમાં અલગ-અલગ કંપનીના નામે ટેક્ષ એસ. એમ. એસ. આવી રહ્યા છે. જેની સંખ્યા પાંચ મિનિટમાં ૧૫૦ જેટલા એસએમએસ જેટલી થાય છે. મોબાઇલમાં આટલા બધા મેસેજ મળતા મોબાઈલ ધારક હેરાનગતિમાં ધકેલાઈ જાય છે. આ સમય દરમિયાન કોઈને ફોન કરવો હોય કે કોઈનો ફોન આવે ત્યારે ફેક એસ. એમ. એસ. અવરોધરૂપ બને છે અને મોબાઇલ ધારક તે એસ. એમ. એસ. ડિલિટ કરતા કરતા કંટાળી જાય છે.

આવા અનેક લોકોને ફેક એસ. એમ. એસ. મળતા હોવાથી મોરબી અપડેટ ની ટીમને ફરિયાદ મળતા મોરબી અપડેટ ટીમ દ્વારા ઈન્વેસ્ટીગેશન કરતા માલુમ પડ્યું કે ઇન્ટરનેટ માં એક એવો સોફ્ટવેર આવે છે જેને ઇન્સ્ટોલ કરી કોઈ વ્યક્તિનો મોબાઇલ નંબર એ સોફટવેરમાં નાખવામાં આવતા જે તે વ્યક્તિને વારાફરતી આવા ફેક એસ. એમ. એસ. મળવા લાગે છે.

ટીખળખોરો દ્વારા લાગતા વળગતા મિત્રોનો મોબાઈલ નંબર આ સોફ્ટવેરમાં નાખ્યા બાદ માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.