મોરબીમાં વોકળાની સફાઈના અભાવે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ભીતિ

- text


પ્રિ મોન્સૂનની નક્કર કામગીરી કરવા તેમજ દબાણ હટાવવા વિપક્ષી નેતાની કલેકટરને રજુઆત

મોરબી : મોરબીમાં વોકળાની યોગ્ય સફાઈ થતી ન હોવાથી દર વર્ષે ચોમાસામાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા ઉદભવે છે નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીનો એક્શન પ્લાન ઘડવામા આવે છે.પરંતુ આ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવે છે. જેથી વિપક્ષી નેતાએ કલેકટરને રજૂઆત કરી ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂનની નક્કર કામગીરી કરવાની માંગ ઉઠાવી છે.

પાલિકાના વિપક્ષી નેતા કે.પી.ભાગીયાએ કલેકટરને રજૂઆત કરી હતી કે મોરબી શહેરમાં કુદરતી વરસાદી પાણીનો નિકાલ જાહેર માર્ગો ઉપર થઇને વોકળામાંથી થાય છે પરંતુ આ વોકળાઓ પર બિનઅધિકૃત બાંધકામ અને દબાણ થતાં કુદરતી પાણીનો નિકાલ અટકી ગયો છે જેના પરિણામે ફક્ત ૩ ઇંચ જેટલો વરસાદ થાય તો પણ શહેરમાં ચારે કોર પાણી પાણી થઇ જાય છે અને નિચાણવાળા વિસ્તારના ઘરોમા પાણી ઘુસી જાય છે.

- text

મોરબીના હાર્દ સમા રોડ પર આવેલ આશરે ૧૩ જેટલી સોસાયટીના વરસાદી પાણીનો નિકાલ વજેપર, રવાપર ગામના સીમાડાના ગાડા માર્ગેથી થતો હતો. પરંતુ શાસ્ત્રીનગર, વિવેકાનંદ, ગોકુળનગરના અગ્ર ભાગે ચકી પાસે બનેં બાજુએ એપાર્ટમેન્ટ બન્યા અને જયરાજપાર્ક સોસાયટીમાં કમ્પાઉન્ડ હોલ બનાવી જતા કુદરતી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે તેથી આ સમસ્યા હલ ન થાય તો આગામી ચોમાસામાં ૧૩ સોસાયટીઓના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી આ દબાણો દૂર કરવામાં આવે તેમજ પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત વોકળાની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ છે.

- text