દાદીમા, પિતા, પુત્ર અને પૌત્રીએ એક સાથે મતદાન કરી લોકશાહીનો મહાપર્વ મનાવ્યો

- text


મોરબીના બરાસરા પરિવારમાં એક સાથે ચાર પેઢીએ મતદાન કર્યું

ડો. પ્રવીણ બરાસરા, તેમના દાદીમા, પિતા અને દીકરીએ પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કર્યો

મોરબી : ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ ત્યારે મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે ખરેખર ઉત્સવ જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો હોશે હોશે મતદાન કરી લોકશાહીમાં પોતાની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે ત્યારે મોરબીમાં આવેલી શાંતિ ક્લિનિકના ડોક્ટર પ્રવીણ બરાસરાના પરિવારમાં એક સાથે ચાર પેઢીએ મતદાન કરી લોકશાહીમાં પોતાની ફરજ અદા કરી છે.

બરાસરા (પ્રજાપતિ) પરિવારના મોભી એવા ૯૮ વર્ષના શાંતાબેન બરાસરાએ ચૂંટણી તંત્ર દ્વારા ઘરેથી મતદાન કરવાની સુવિધા અંતર્ગત બેલેટ પેપરથી ઘરેથી મતદાન કર્યું હતું. જ્યારે માવજીભાઈ બરાસરા, તેમના પુત્ર ડો.પ્રવીણ બરાસરા તેમજ પૌત્રી કુંજન બરાસરાએ આજે પોતાનો કિંમતી મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

ડોક્ટરનો અભ્યાસ કરતી કુંજને પહેલી વાર મતદાન કરી રોમાંચ અનુભવતા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ લોકશાહીની ફરજ છે પરંતુ પહેલીવાર મતદાન કરવું એ ખરેખર એક લ્હાવો છે. હું ખૂબ ખુશ છું કારણ કે, આપણી પસંદગીની સરકાર રચવામાં હું પણ હવે સહભાગી બની શકું છું. એક એક મત કિંમતી છે જેથી દરેક નાગરિકે પોતાના મતનો અચૂક અને યોગ્ય રીતે ઉપયોગ કરવો જ જોઈએ. આપણે મતદાતા છીએ આ લોકશાહીના નિર્માતા છીએ જેથી લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજી જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે અચૂક મતદાન કરવું જોઈએ.

- text

આ બરાસરા પરિવાર જેવા મોરબીના અનેક પરિવારો રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપી મતદાન કરી રહ્યા છે તેમજ અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

- text