મતદાન મથકના સંચાલન અંગે કર્મચારીઓને વીડિયોથી સમજણ અપાઈ

- text


શોર્ટ ફિલ્મ જેવી વીડિયો ક્લિપ સમગ્ર ગુજરાત ચૂંટણી તંત્ર અને ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે મહત્વની સાબિત થશે

મોરબી: જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મતદાનના દિવસે સ્ટાફ અને અન્ય લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણી સ્ટાફ કેવી રીતે મતદાન મથકનું સંચાલન કરે છે, કઈ કઈ જવાબદારીઓ હોય છે તેમજ મતદાન વેળાએ કરવાની થતી કામગીરીની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવતી એક વીડિયો ક્લિપ બનાવવામાં આવી છે. જે કર્મચારીઓ માટે મહત્વની સાબિત થશે.

66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ જબલપુર મતદાન મથકે મત કુટીર અને મતદાન અધિકારી સહિતની મતદાન મથક અંદરની વ્યવસ્થાઓ, મતદાન માટેની મશીનરીઝની સુરક્ષા અને સુનિશ્ચિતતા, મતદાનની પ્રક્રિયા, કેવી રીતે ઉમેદવારોને મત આપવામાં આવે તેની ગણતરી કેવી રીતે થાય, મશીન સીલ કરવાની કામગીરી, મતદારો માટેની વ્યવસ્થાઓ, મતદાન પ્રક્રિયા દરમિયાન આવતી મુશ્કેલીઓ કે પ્રશ્નો તેમજ તેમનું નિરાકરણ સહિતના મુદ્દાઓને જીણવટપૂર્વક ઉદાહરણ સાથે સમજાવી જે શોર્ટ ફિલ્મ જેવી વીડિયો ક્લીપ બનાવવામાં આવી છે. તે ખરેખર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફ, મતદારો અને રાજકીય પક્ષો સહિત તમામ માટે ચૂંટણી અને ખાસ કરીને મતદાનના દિવસની કામગીરીની આંટી ઘુંટીઓને સહજ અને સરળ બનાવવા માટે માઈલસ્ટોન સમાન છે.

- text

જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ટંકારા મામલતદાર કેતન સખીયા અને મામલતદાર કચેરીના સ્ટાફ અને માસ્ટર ટ્રેનર ટીમના જયેશ પાડલીયા, અલ્પેશ પુજારા, રાજેશ મેરા, આનંદ મોકાસણા, વિનોદ સુરાણી, પ્રવીણ પારઘી તેમજ સપોર્ટિંગ ટીમમાં મગન ઉજરીયા, મુકેશ પટેલ, ભીખાલાલ ભોરણીયા, જશવંત ચાવડા, ધીરજ ભાગીયા, દિગીશા કરોતરા, અક્ષા ચૌધરી, ભરત દુબરિયા, દિલીપ કુંઢીયા, લાલદાસ નિમાવત, કનુભા લાંબા, હેમંત ચૌહાણ, પરેશ ગોગરા, મોહિત ચૌહાણ સહિત ટીમે જહેમત ઉઠાવી બનાવેલ આ વીડિયો ક્લિપ સમગ્ર ગુજરાત ચૂંટણી તંત્ર અને ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ, રાજકીય પક્ષો તેમજ મતદારો માટે માર્ગદર્શનનો મહત્વનો સ્ત્રોત બની રહેશે.

- text