માળીયા હાઇવે ઉપર ઓવરબ્રિજના કામને કારણે દરરોજ ટ્રાફિકજામની હાડમારી

- text


ઓવરબ્રિજના કામને લીધે એક રોડ બંધ કરાતા ભારે વાહનો બંધ પડી જતા રોજ કલાકો સુધી સર્જાતો ટ્રાફિકજામ, અમદાવાદથી કચ્છ જવા માટે લોકોને રાધનપુરના રસ્તેથી નીકળવાની માળીયા પોલીસની અપીલ

મોરબી : માળીયાથી કચ્છ હાઇવે ઉપર હરીપર ઓવરબ્રિજનું કામ શરૂ કરતા એક રોડ બંધ કરી દેવાથી બધો જ ટ્રાફિક એક જ રોડ ઉપર ડાયવર્ટ થઈ જવાથી અને અધૂરામાં પુરી જલ્દી નીકળવા માટે અમુક વાહનો આડેધડ ઘૂસતા તેમજ ભારે વાહનો ત્યાંજ બંધ પડી જતા વાહન વ્યહવાર ઠપ્પ થઈ જાય છે. છેલ્લા ઘણા દિવસોથી માળીયા પોલીસને આ હાઇવે ઉપર ટ્રાફિક કિલિયર કરવામાં આકરી કસોટી થઈ રહી છે. આથી અમદાવાદથી કચ્છ જવા માટે લોકોને રાધનપુરના રસ્તેથી નીકળવાની માળીયા પોલીસે અપીલ કરી છે.

માળીયા પીએસઆઇ એન.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી માળીયા હાઇવે પર હરીપર ઓવરબ્રિજનું રેલવે તંત્ર દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ માટે માળીયા હાઇવેના ડબલપટ્ટીના માર્ગના એક રોડને બંધ કરી દેતા માળીયા હાઇવે ઉપર નીકળતા ટ્રક, ડમ્પર, ટેમ્પો સહિતના હજારો વાહનો માળીયા હાઇવેના સિંગલપટ્ટીના રોડ ઉપર ડાયવર્ટ થઈ ગયા છે. આમ પણ માળીયા હાઇવે ઉપર 24 કલાક હજારો વાહનોની અવરજવર સતત હોવાથી આ ડબલ માર્ગ ટૂંકો પડે છે. ત્યારે હવે એક જ માર્ગ ઉપર હજારો વાહનો અવરજવર થતા દરરોજ ટ્રાફિકજામ સર્જાય છે. જેમાં ઘણા વાહન ચાલકો જલ્દી નીકળવાની લ્હાયમાં આડેધડ ઘૂસતા હોય અને ઘણા ભારે વાહનો દિવસમાં અનેકવાર કોઈને કોઈ કારણે બંધ પડી જતા છેલ્લા ચાર દિવસથી માળીયા પીએસઆઇ સહિતના સ્ટાફને અહીંયા ટ્રાફિક કિલિયર કરવાના કામે લગાડી દીધા છે. પીએસઆઇએ કહ્યું કે તેઓ સતત બે દિવસથી માળીયા હાઇવે પણ ટ્રાફિક કિલિયરમાં જ ધંધે લાગ્યા છે. જેને કારણે માળીયા પોલીસને બીજી કાયદો અને વ્યવસ્થાની કામગીરી કરી શકતી નથી.

- text

પીએસઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, માળીયા હાઇવે ઉપર હરીપર બ્રિજના કામના કારણે દરરોજ ટ્રાફિકજામ સર્જાય છે અને વાહનોના થપ્પે થપ્પા લાગી જાય છે. આથી પોલીસને ટ્રાફિકજામ કિલિયર કરવામાં નાકે દમ આવી જાય છે. ક્યારેક ગાડી બ્રેક ડાઉન થાય ત્યારે તો કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે અને આ અનેક વાહનો ફસાય જાય છે. તેથી વાહન ચાલકો ભારે હેરાન થાય છે. આથી અમદાવાદથી કચ્છ તરફ જતા તમામ વાહન ચાલકોને માળીયા હાઇવે પર ટ્રાફિક ન નડે તે માટે રાધનપુર રોડ ઉપર નીકળવાની પોલીસે અપીલ કરી છે.

- text