ગરીબોની દિવાળી નહિ બગડે : સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઈ 

- text


સરકારે 300 કાર્ડ હોય તેવા દુકાનદારોને જ મિનિમમ રૂ.20 હજાર કમિશન મળશે તે પરિપત્રમાં કાર્ડની સંખ્યાની વિસંગતતા દૂર કરવાની ખાતરી આપતા ઘીના ઠામમાં ઘી પડ્યું

મોરબી : ગરીબોની દિવાળી હવે નહિ બગડે કારણકે સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઈ ગઇ છે. સરકારે 300 કાર્ડ હોય તેવા દુકાનદારોને જ મિનિમમ રૂ.20 હજાર કમિશન મળશે તે પરિપત્રમાં કાર્ડની સંખ્યાની વિસંગતતા દૂર કરવાની ખાતરી આપતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

આ મામલે સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનના અગ્રણીઓ પ્રહલાદભાઈ મોદી, મહિપતસિંહ ગોહિલ, અલ્પેશભાઈ શાહ અને રાજેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી દુકાનદારો દ્વારા અસહકાર ચળવળ આંદોલન ચાલતું હતું. જે અન્વયે સરકાર દ્વારા બેઠક માટે બોલાવેલ હોઈ બંને એસોસિએશનના હોદ્દેદારો ગાંધીનગર ખાતે ગયા હતા. જે અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભીખુસિંહ પરમાર દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ચેમ્બરમાં બેઠક મળેલી હતી. જેમાં રૂ. 20,000 મિનિમમ ગેરંટેડ કમિશન પાત્રતા ધરાવતા તમામ રેશન ડીલરોને મળી રહે તે માટે સક્રિય ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ સરકારે વિશ્વાસ આપેલ છે કે 2/9/2023ના પરિપત્રમાં 300 કાર્ડના શબ્દની વિસંગતતા દૂર કરવા બાબતે સકારાત્મક હૈયાધારણ આપેલ છે.

દિવાળી પછીના થોડા દિવસમાં સુધારા પરિપત્ર થશે. આમ સરકારએ આપેલ વિશ્વાસ પર ભરોસો મૂકી અસહકાર આંદોલન ચળવળ સ્થગિત કરવામાં આવે છે. જેથી ગુજરાતના તમામ રેશન ડીલર મિત્રોએ અસહકાર આંદોલનમાં આપેલ અભૂતપૂર્વ સહકાર બદલ બંને એસોસિએશનના હોદ્દેદારો આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે આવતીકાલથી રેશન દુકાનોમાં રાબેતા મુજબ વિતરણ કામગીરી સાથે જોડાઈ જઈને ગ્રાહકોને દિવાળીનો જથ્થો વિતરણ કરવાનો રહેશે.

- text

- text