ટંકારાના લજાઈ ગામે 1967થી ગૌસેવાના સંકલ્પ સાથે ધબકતી નાટ્યકલા

- text


ગામના શિક્ષિત યુવાનો સ્ત્રી સહિતના પાત્રો ભજવી રજૂ કરે છે નાટક

17 ઓક્ટોબરે રજૂ થયેલા નાટક દરમિયાન ગાયો માટે 12 લાખનું ભંડોળ એકઠું થયું

ટંકારા : આજકાલ નાટ્યકલા વિસરાઈ રહી છે ત્યારે ટંકારાના લજાઈ છેલ્લા 57 વર્ષથી નાટ્યકલાના માધ્યમથી એક સંકલ્પ હેઠળ ગાયોની સેવા કરવામાં આવી રહી છે. લજાઈ ગામે ગઈકાલે તારીખ 17 ઓક્ટોબર ને મંગળવારના રોજ ગાયોના લાભાર્થે નાટક અને હાસ્ય રસિક કોમિક ભજવવામાં આવ્યું હતું. જેમાં દાતાઓના સહકારથી આશરે 12 લાખ રૂપિયાનો ફાળો ગાયોના લાભાર્થે એકઠો થયો હતો.

લજાઈ ગામે સોહમદત્ત બાપુએ વર્ષ 1967માં સંકલ્પ કર્યો હતો કે, અમારી ગાય કતલખાને નહીં જાય. આ સંકલ્પ સાથે દર વર્ષે નવરાત્રિમાં નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે ફાળો થાય તે આખું વર્ષ ગાયના નિભાવ કાર્યમાં વપરાતો હોય છે. ત્યારે સોહમદત બાપુએ કરેલા આ સંકલ્પ હેઠળ આ વર્ષે પણ સોહમદત્ત બાપુ અને સમસ્ત લજાઈ ગામ દ્વારા 17 ઓક્ટોબર ને મંગળવારે રાત્રે 10 કલાકેથી લજાઈ ગામના ગાયોના ગોંદરે ગાયોના લાભાર્થે દક્ષ યજ્ઞ યાને ઉમા સતીનો અગ્નિ પ્રવેશ નાટક અને હાસ્ય રસિક કોમિક ભજવવામાં આવ્યું હતું.

આ નાટકમાં સ્ત્રી સહિતના દરેક પાત્ર ગામના લોકોએ જ ભજવ્યા હતા. જેમાં ગામના જ શિક્ષિત, ઉદ્યોગપતિ, વેપારીઓ દ્વારા અદભુત નાટ્યકલા રજૂ કરવામાં આવી હતી. આ નાટ્યકલા રજૂ કરવા માટે આ યુવાનોએ નવરાત્રિના એક મહિના પહેલાથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આ નાટક અને કોમિક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યમાં દાતાઓએ ગાયોના લાભાર્થે ઉદાર હાથે અને ખુલ્લા દિલે દાનનો ધોધ વહાવ્યો હતો અને 12 લાખ જેટલું ભંડોળ ગાયોના લાભાર્થે એકઠું કરવામાં આવ્યું હતું.

- text

- text