માળીયામાં મેઘરાજાની સેન્ચુરી ! વરસાદે બે જ દિવસમાં મોરબી જિલ્લાનું ચિત્ર ફેરવી દીધું 

મોરબી, ટંકારા અને હળવદમાં મૌસમનો 100 ટકાથી વધુ વરસાદ : માળીયામાં 81.45 ટકા અને વાંકાનેરમાં 83.12 ટકા વરસાદ 

મોરબી : ચોમાસાંની પૂર્ણાહુતિના સમયે છેલ્લા બે દિવસમાં મેઘરાજાએ મોરબી જિલ્લા ઉપર અપાર હેત વરસાવી વરસાદી ચિત્ર પલટાવી દીધું છે, મોરબી જિલ્લામાં બે દિવસમાં વરસેલા વરસાદ બાદ મોરબી, ટંકારા અને હળવદમાં મૌસમનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો માળીયામાં 81.45 ટકા અને વાંકાનેરમાં 83.12 ટકા મૌસમનો કુલ વરસાદ નોંધાયો છે, સાથે જ મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માળીયામાં સૌથી વધુ 101મીમી અને સૌથી ઓછો 52 મીમી વરસાદ વાંકાનેરમાં વરસ્યો હતો.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીમાં 78મીમી, માળીયામાં 101મીમી, વાંકાનેરમાં 52મીમી, ટંકારામાં 86મીમી અને હળવદમાં 78મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે જ મોરબી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ જોઈએ તો મોરબીમાં 702 મીમી(108.33 ટકા), માળીયામાં 404મીમી (81.45 ટકા), વાંકાનેરમાં 448મીમી (83.12), ટંકારામાં 656મીમી(102.02 ટકા) અને હળવદમાં 604મીમી એટલે કે, (124.79 ટકા) મોસમનો કુલ વરસાદ નોંધાયો છે.