કીચડ, ખાડા અને ટ્રાફિકને લઈને સોશિયલ મીડિયા ઉપર વેદના ઠાલવતા મોરબીવાસીઓ

મોરબી : મોરબીમાં ચોમાસામાં ઠેક-ઠેકાણે કિચડનું સામ્રાજ્ય ઉપરાંત ખખડધજ રસ્તા ને સાથે ટ્રાફિક જોવા મળી રહ્યા છે. હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જો કે લોકોનો રોષ હજુ સત્તાધીશોના કાન સુધી પહોંચી રહ્યો ન હોય, નાગરિકોએ સોશિયલ મીડિયામાં મોરબીનો એક મેસેજ વાયરલ કર્યો છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ મેસેજમાં જણાવાયું છે કે ખરેખર ધન્ય અને ગર્વ છે બધા મોરબીવાસીઓ ને કે જે વહેલી સવાર પડતા જ ઘરેથી કારખાને જવા નીકળે તો એવું લાગે કે જાણે યુદ્ધ કરવા નીકળ્યા હોય. ઘરેથી ભયંકર ખાડા અને કીચડમાંથી નીકળ્યા બાદ જ્યારે મેઈન રોડ પર પહોંચે તો મોરબી ટ્રાફિક વાળા ગ્રુપમાં મેસેજની શરૂઆત થઈ જાય કે પંચાસર ચોકડી પાસે પોલીસનું ફૂલ ચેકીંગ, માળિયા રોડ પર ફૂલ ચેકીંગ, માળિયા ફાટકે ફૂલ ચેકીંગ જાણે સામે દુશ્મન આવી ગયા હોય એવી રીતે ઊભા હોય ચેકીંગ માટે. હજુ તો ચેકીંગનું ટેન્શન પૂરું થાય તો રસ્તા કામના મેસેજ ચાલુ થઈ જાય, પીપળીથી બેલા ફૂલ ટ્રાફિક જામ, ખોખરા રોડ જામ, માળિયા ચોકડીથી ખોખરા રોડ જામ. માંડ માંડ આગળ વધતા જાય તો સીધા ૨-૩ ફૂટમાં ખાડા આવે જાણે હિમાલયમાં યુદ્ધ કરવા નીકળ્યા હોય.

સવારના ૮ વાગ્યે નીકળી એ તો ૧૦-૧૨ વાગે કારખાને પહોંચીએ. પાછા આવતી વખતે પહેલા ગ્રુપ મેસેજ અથવા તો ૨-૪ દોસ્તારને ફોન કરીને પૂછે કે ક્યો રોડ ચાલુ છે. એ પ્રમાણે કારખાનેથી નીકળે. પાછા આવતા તો ખબર નહી કે કેટલા વાગ્યે ઘરે પહોંચે. ઘરેથી જમીને બહાર આટો મારવા નીકળે તો સ્ટ્રીટ લાઈટ બંધ હોય અને અંધારામાં જો સરખું ધ્યાનના રાખી તો ગટરના ઢાંકણા પણ ના હોય. અને પાછા જો સ્થાનિક પાલિકાના માણસો જો ઢાંકણું બદલાવી નાખે તો બધાને મેસેજ કરે કે બીજી વાર ઢાંકણું બદલાયેલું છે જાણે નેશનલ કપ જીત્યા હોય. લાઈટ બદલાવે તો લખે આજ રોજ ફલાણા ફલાણા શેરીની લાઈટ બદલાવી રસ્તામાંથી નડતરરૂપ બાવળિયા કાઢ્યા. ખરેખર તો કાઢવાની તો પાલિકાને જરૂર છે. લાઈટ માટે ફોન કરી તો વળતો જવાબ આવે કે પાલિકા પાસે રૂપિયા નથી. ચુંટણી જીત્યા બાદ ૪-૬ મહિના પાલિકા પાસે રૂપિયા હોય અને પછી ક્યાં જાય છે એ ખબર જ નથી.

કદાચ બધાને ખબર હોય કે આવા રોડમાં જ્યારે જુવાન દીકરા દીકરીઓ બાઈક લઈને નીકળે છે ત્યારે એમના માતા પિતાને જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી જંગે ગયા છે એવું લાગે. આવા રસ્તામાં કેટલા બધા માણસો બાઈકમાં સ્લીપ ખાઈને મૃત્યુ પામ્યા એ ખબર છે અને જો ના ખબર હોય તો તપાસ કરવી લ્યો.

થોડા દિવસ પહેલા જ એક ૨૪ વરસનો દીકરો બાઈક સ્લીપ ખાઈને ખટારામાં આવી ગયો હતો. શું વીતતી જશે એના માં બાપ પર. અને ઓવર સ્પીડમાં દંડ આપો છો. ખબર નહિ ચોમાસાની ઋતુ માં જ કેમ બધું કામ કરવાનું સુજે છે. ખરેખર તો હવે શરમ થવી જોઈએ કે જંગી બહુમતીથી આટલી વાર જીતાડ્યા તો મોરબીની પીડિત જનતા માટે કઈક કરીએ. તમે સારું કામ કરો જ છો એમાં કોઈ વાત નથી પણ જે રોજ તકલીફ પડે છે એનું વહેલા તે પહેલાના ધોરણે વિચારો. મોરબીવાસીઓને શરમ થાય છે કે અમે કેવા વિસ્તારમાં રહીએ છીએ, જિલ્લો કહેવા લાયક નથી અને બધા મહેમાન આવે એટલે વખાણ કરીને જાય એ અલગ.