હળવદમાં ઉચ્ચજ્ઞાતિના ભરતી થયેલા સફાઈ કામદારો કામ કર્યા વગર પગાર લેતા હોવાનો આરોપ 

- text


હળવદ નગર પાલિકાના સફાઈ કર્મીઓને 4 દિવસમાં કાયમી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી 

હળવદ : હળવદ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા અને શહેરને સ્વચ્છ રાખવા રાત દિવસ કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ તેમના કાયદેસરના હક્ક હિસ્સા ન મળવા મામલે આકરાપાણીએ થયા છે. ખાસ કરીને હળવદ પાલિકામાં ભરતી કરાયેલા સવર્ણ એટલે કે ઉચ્ચ જ્ઞાતિના સફાઈ કામદારો કામ કર્યા વગર જ પગાર લેતા હોવાનું અને વર્ષોથી તેઓ ખંત પૂર્વક સફાઈ કામ કરતા હોય છતાં જ્ઞાતિના ભેદભાવને લઈને કાયમી કરવા સહિતના અધિકારો ઉપર તરાપ મરાતી હોવાના આક્ષેપ સાથે સફાઈ કર્મચારીઓ કાળઝાળ બન્યા છે અને 4 દિવસમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો ઉપવાસ આંદોલન આત્મવિલોપન, રોડ રોકો, તાળાબંધી અને ધર્મ પરિવર્તન કરવા સુધીની ચીમકી આપી છે.

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના નેજા હેઠળ હળવદ નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓએ હળવદ નગરપાલિકાને રજુઆત કરી હતી કે, હળવદ નગરપાલિકામાં રોટેશન મુજબ ઉચ્ચજ્ઞાતિના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી છે પરંતુ હકીકતમાં આ સફાઈ કામદારો કામ ન કરતા હોવા છતાં રાજકીય ઓથ હેઠળ તેમને પગાર ચુકવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવાયો છે.

- text

વધુમાં હળવદ નગરપાલિકામાં વર્ષ 1995થી સફાઈ કામદારોની ભરતી થઈ નથી. સફાઈ કર્મચારીઓ વર્ગ 4ના કર્મચારીઓમાં આવે છે છતાં આ સફાઈ કામદારોને હળવદ નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ તરીકે દરજ્જો મળ્યો નથી. જ્યારે અન્ય સમાજના સફાઈ કર્મચારીઓને ફરજમાં ચૂક હોવા છતાં કાયદેસરના હક્ક હિસ્સા મળે છે. જ્યારે જ્ઞાતિનો ભેદભાવ રાખીને વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓને અન્યાય કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આગામી 4 દિવસમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓને કાયમી કરવા સહિતના કાયદેસરના હક્ક હિસ્સામાં યોગ્ય ન્યાય ન મળે તો ઉપવાસ આંદોલન આત્મવિલોપન, રોડ રોકો, તાળાબંધી અને ધર્મ પરિવર્તન કરવા સુધીની ચીમકી આપી છે.

- text