કા રૂપિયા આપ કા જમીન લખી દે… વ્યાજખોરની ધમકી બાદ યુવાને ગળેફાંસો ખાઈ લીધો

- text


હળવદના સુરવદર ગામના વ્યાજખોર વિરુદ્ધ યુવાનને મરવા મજબુર કરવા અંગે ગુન્હો દાખલ

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં કા તો રૂપિયા આપ અને કા તો તારી જમીન લખી દે નહિ તો જાનથી મારી નાખીશ તેવી વ્યાજખોરની ધમકી બાદ યુવાને બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા સુરવદર ગામના વ્યાજખોર વિરુદ્ધ યુવાનને મરવા મજબુર કરવા અંગે ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે પોતાના સગાની જમીન વાવતા ઉમેશભાઈ લાભુભાઈ ભોજવીયા નામના યુવાને પોતાની વાડીએ બાવળના ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના ભાઈ હિતેશભાઈ લાભુભાઈ ભોજવીયા રહે.પ્રતાપગઢ તા.હળવદ વાળાએ પોતાના ભાઈને મરવા મજબુર કરનાર હળવદ તાલુકાના સુરવદર ગામના બચુભાઇ રાયધનભાઈ આહીર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતકે વ્યાજખોર બચુભાઇ રાયધનભાઈ આહીર પાસેથી બે લાખ રૂપિયા 5 ટકા વ્યાજે લીધા બાદ બચુભાઈએ કા તો રૂપિયા પાછા આપ અથવા તારી જમીન મારા નામે કરી દે નહિ તો જાનથી મારી નાખીશ તેવી રૂબરૂમાં તેમજ મોબાઈલ ફોનમાં ધમકી આપતા વ્યાજખોરની ધમકીથી ગભરાઈ જઈ ઉમેશે પોતાની વાડીએ બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલમાં હળવદ પોલીસે વ્યાજખોર બચુભાઇ રાયધનભાઈ આહિર વિરુદ્ધ ઉમેશભાઈને મરવા મજબુર કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text