ગાંધીનગર ખાતેથી ૧૨મીએ વડાપ્રધાન દ્વારા ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનું ઈ-લોકાર્પણ

- text


હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનું પણ થશે લોકાર્પણ

મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર ખાતેથી આગામી ૧૨ મે ના રોજ ૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવસોનું લોકાર્પણ, ખાતમુહર્ત અને ગૃહપ્રવેશનો આવાસ ઉત્સવ કાર્યક્રમ યોજવાનો છે. જેમાં ગુજરાત રાજ્યના શહેરોમાં ૭,૧૧૩ અને ગામડાઓમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં કુલ ૩૫ આવસોનું લોકાર્પણ થશે. જેમાં તાલુકા મુજબ હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૧૪૩૬ લાભાર્થીઓના આવાસનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં તાલુકા મુજબ નજર કરીએ તો હળવદમાં ૩૭૪, માળિયામાં ૭૦, મોરબીમાં ૨૬૧, ટંકારામાં ૧૯૭, અને વાંકાનેરમાં ૫૩૪ આવસોનું કાર્ય પૂર્ણ કરલ છે, જે દર્શાવે છે કે ડબલ એન્જીન સરકારના વિકાસ કાર્યોમાં પ્રચંડ વેગ આપવાનું કાર્ય પ્રધાનમંત્રી આવાસ જેવી લોક કલ્યાણકારી યોજના થકી થઈ રહ્યું છે. જેનાથી નાગરીકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે.

લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બ્લોક લેવલે પ્રથમ હપ્તામાં રૂ.૩૦,૦૦૦ ઓનલાઈન જમા કરવામાં આવે છે . લીનટેલ લેવલે રૂ.૮૦,૦૦૦ તેમજ આવાસ પૂર્ણ થયે રૂ. ૧૦,૦૦૦ આમ કુલ રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય લાભાર્થીઓને અપાય છે. આ સિવાય શૌચાલય બનાવવા માટે બાંધકામ સહાય પેટે રૂ. ૧૨,૦૦૦ તેમજ ન્હાવાના બાથરૂમ બનાવવા માટે પીએમએવાય યોજના હેઠળ રૂ. ૫,૦૦૦ ની સહાય અપાય છે. આ યોજનામાં પ્રોત્સાહન સ્વરૂપે જો લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચૂકવવાની તારીખથી છ માસમાં જ આવાસ પૂર્ણ થઈ જાય તો મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના માંથી રૂ. ૨૦,૦૦૦ ની વધારાની સહાય મળે છે.

આ સિવાય ગરીબ પરિવારોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને અન્ય યોજનાઓ જેમાં મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની રોજગારી સ્વરૂપે રૂ.૨૦,૬૧૦ સુધી મળે છે. ઉજ્જવલા યોજના અંતર્ગત મફત સિલિન્ડર અપાય છે. તેમજ રાશનકાર્ડ, ઉજાલા, સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ, વગેરેનો વધુમાં વધુ લાભાર્થીઓના પરિવારને મળે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

લાભાર્થીની ઓળખ અને પસંદગીમાં પારદર્શિતા જળવાઈ તો જ બધા માટે ઘર એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય જરૂરિયાતવાળા પરિવારોને આવાસ મળે તે માટે SECC 2011 ની સામાજિક અને આર્થિક મોજણીના ડેટા તેમજ આવાસ પ્લસ ના સર્વે મુજબ ઘરવિહોણા પરિવારોને આવરીને તમામ પાસાઓની ચકાસણી ગ્રામસભા દ્વારા કરવામાં આવે છે. અને તેના આધારે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન અનુસરવામાં આવે છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓના આવાસ ના બાંધકામનું જુદા જુદા લેવલનું રૂબરૂ સ્થળ પર ઓનલાઇન જીઓટેગ કરવામાં આવે છે. તેમના આધારે તેઓને ઓનલાઈન હપ્તાની રકમ સીધા તેમના બેંક ખાતામાં તાલુકા કક્ષાએથી જમા કરાવવામાં આવે છે.

- text

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા દેવશીભાઈ રાઠોડ જણાવે છે કે આવાસનો લાભ મળ્યા પહેલા અમારું રહેણાંક ગારમાટીનું કાચું નળિયાવાળું તેમજ ભયજનક સ્થિતિમાં હતું. જેથી ગમે ત્યારે જાનહાની થવાની ચિંતા રહેતી હતી. શિયાળાની ઋતુમાં નળિયાવાળું મકાન હોવાથી ખૂબ ઠંડી અનુભવાતી હતી. ઉનાળાની ઋતુમાં ખૂબ પવન અને ગરમીનો પરીવારે સામનો કરવો પડતો હતો. ચોમાસાની ઋતુમાં મકાનમાં ઘણી જગ્યાએથી પાણી પડતું હતું જેથી અમારી ઘર વખરી પલળી જતી હતી. અમને આવાસ યોજનાનો લાભ મળવાથી બારે માસ ઋતુ સામે રક્ષણ મળી ગયું છે. પાકું આવાસ બની જવાથી સમાજમાં સન્માનજનક સ્થિતિમાં અમો જીવી શકીએ છીએ. તેમજ બાળકોના સગપણના સંબંધો સમયસર સારી જગ્યાએ કરી શકવાની આશા બંધાઈ છે. આવાસ યોજનાનો લાભ આપવા બદલ હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.

- text