મોરબીમાં ડેરીના 5 ધંધાર્થીઓને ત્યાં દરોડા, એક જ જગ્યાએથી 180 કિલો વાસી માલ મળ્યો!

- text


સુરેશભાઈ ટહેલરામ આયાલાનીની પેઢીમાંથી 90 કિલો વાસી પનીર, એક્સપાઈરી ડેટવાળું 25 કિલો ફરસાણ અને 192 પેકેટ ખાખરા સહિતની વસ્તુઓ મળી આવી : ખોરાક અને ઔષધ અધિનિયમ તંત્રએ દરોડા પાડીને કડક કાર્યવાહી કરી 

મોરબી : હાલ ઉનાળાની સીઝનમાં ડેરીની વિવિધ પ્રોડક્ટની જબરી માંગ હોય ત્યારે ડેરીના ધંધાર્થીઓ વાસી માલ ધાબડી દેતા હોવાની ફરિયાદ સંદર્ભે આજે અચાનક જ મોરબીનું ખોરાક અને ઔષધ અધિનિયમ તંત્ર ડેરીના ધંધાર્થીઓને ત્યાં ત્રાટક્યું હતું અને ખોરાક અને ઔષધ અધિનિયમ તંત્રના દરોડા દરમિયાન વાસી માલ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મોરબીના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. છત્રોલા અને સી. કે. નિમાવતની ટીમ દ્વારા મોરબીમાં આવેલ વિવિધ ડેરી પ્રોડક્ટ સાથે સંકળાયેલ 5 ધંધાર્થીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાંથી શનાળા રોડ, મોરબી ખાતે આવેલ સુરેશભાઈ ટહેલરામ આયાલાનીની પેઢીની તપાસ કરતા પેઢીમાં આશરે 90 કિલો જેટલું વાસી પનીર જોવા મળેલ હતું તેમજ એકસપાયર ડેટ વાળું ફરસાણ આશરે 25 કિલો તથા એકસ્પાયર ડેટ વાળા ખાખરા 200 ગ્રામના 192 પેકેટ તથા એકસ્પાયર ડેટ વાળા માઇક્રોલાઈટ ચોકો સ્પ્રેડના 30 ડબ્બા એમ કુલ અંદાજે 180 કિલો જેટલો વાસી માલ સ્થળ પર જ નાશ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

- text

કોઈ ધંધાર્થીને ત્યાં અખાદ્ય વસ્તુનું વેચાણ થતું હોય તો ગ્રાહક અમારો સંપર્ક કરે : ફૂડ સેફટી ઓફિસર

ફૂડ સેફટી ઓફિસર એમ.એમ.છત્રોલાએ જણાવ્યું છે કે મોરબીમાં ક્યાંય પણ કોઈ પણ ધંધાર્થી અખાદ્ય વસ્તુનું વેચાણ કરી રહ્યા છે તેવું જાણમાં આવે તો ગ્રાહક તુરંત ખોરાક અને ઔષધ અધિનિયમ તંત્રનો સંપર્ક કરી શકે છે. ગ્રાહકની ફરિયાદના આધારે ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહક ફરિયાદ માટે ફોન નં.02822 241013 ઉપર સંપર્ક કરી શકે છે.

- text