પ્રજા જાગી ! યુવતીઓની પજવણી કરતા બે રોમિયોનું ગ્રામજનોએ મુંડન કરી નાખ્યું

- text


વિડીયો વાયરલ : આના માં-બાપ ન આવ્યે ત્યાં સુધી મુકવા જ નથી !! ગ્રામજનોએ છોકરીઓનો પીછો કરી ઈશારા કરતા બન્ને રોમિયોને મેથીપાક આપી મુંડન કરીને રોમીયીગીરીનું ભૂત ઉતારી નાખ્યું

મોરબી : મોરબીમાં સરાજાહેર છેડતી અને દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. પ્રજા હવે જાગી હોય તેવી સ્થિતિમાં બે દિવસ પહેલા મોરબી અડોઅડ આવેલા એક ગામે પ્રસંગમાં આવેલી છોકરીઓની પજવણી કરતા બે રોમિયોને ગ્રામજનોએ બરાબરનો સબક શિખવાડયો હતો. ગ્રામજનોએ આ બન્ને રોમિયોને પકડીને સરાજાહેર ધોલાઈ કરીને બન્નેનું મુંડન કરી નાખ્યું હતું. ગ્રામજનોએ બન્ને રોમિયોને સબક શીખવાડી કાયમના માટે તેમના મનમાંથી રોમીયીગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલા એક ગામે એક પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગમાં હાજરી આપવા બહારગામથી યુવતીઓ આવી હતી. ત્યારે પ્રસંગમાં બે યુવાનો મહેમાન બનીને આવ્યા હોય પણ એમની હરક્ત ગ્રામજનોએ અશોભનીય લાગી હતી. આ બન્ને લંપટ યુવાનો પ્રસંગમાં આવેલી દીકરીઓનો પીછો કરી ઈશારા કરતા હોવાનું ધ્યાને આવતા ગ્રામજનોએ આ બન્ને યુવાનો ઉપર વોચ રાખી હતી. એ દરમિયાન પણ આ બન્ને યુવાનો રોમીયીગીરી ઉપર ઉતરી આવીને યુવતીઓને ઈશારા કરીને પજવણી કરતા હોવાનું ધ્યાને આવતા તુરંત જ ગ્રામજનોએ બન્નેને પકડી લીધા હતા અને બન્ને યુવાનોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તેમજ ભવિષ્યમાં કોઈ દીકરીના ચેનચાળા ન કરે તે માટે સબક શીખવાડવા માટે ગ્રામજનોએ બન્ને યુવાનોના જાહેરમાં ટકા એટલે મુંડન કરી નાખ્યું હતું અને બન્ને રોમિયોના મનમાંથી કાયમ માટે રોમીયીગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ બે લંપટ યુવાનોને સબક શીખવાડયો હતો. જો કે જાતીય સતામણી જેવી ઘટનામાં લોકોનો આક્રોશ ચરમસીમાએ હોય ત્યારે આ સબક શીખવાડયો હતો અને જ્યાં સુધી બન્નેના માં-બાપ ન આવે ત્યાં સુધી બન્નેને છોડવા નથી તેવું વાયરલ વીડિયોમાં બોલવામાં આવતું હોવાનું જણાઈ રહ્યું છે, જો કે, આવી ગંભીર ઘટનામાં ગ્રામજનોએ બન્ને શખ્સોને પોલીસની હવાલે કરી દેવા જોઈતા હતા. જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકી હોત તેવું પણ લોકો ચર્ચી રહ્યા છે.

- text