ભાજપે મોરબી નગરપાલિકાની તિજોરી ખાલી કરી નાખતા સફાઈના વાહનો બંધ : કોંગ્રેસ અગ્રણીના આક્ષેપ 

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ શહેરમાં ગંદકીના ગંજ અંગે પાલિકાના પૂર્વ સત્તાધીશોને જવાબદાર ઠેરવ્યા  

મોરબી : મોરબી શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાના રાજમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટના બનતા ગુજરાત સરકાર દ્વારા વિસર્જન કરી બાવને બાવન સદસ્ય વહીવટમાં નિષ્ફળ ગયા હોવાનું માની પાલિકાને સુપરસિડ કરી નાખી છે ત્યારે ભાજપના ચૂંટાયેલ સદસ્યોએ મોરબીની પ્રજાના ટેકસના રૂપિયાનો બેફામ ગેરઉપયોગ કરી પાલિકાની તેજોરી ખાલી કરી નાખતા પૈસાના વાકે પ્રજાને મળતી સીટી બસની સેવા બંધ થવાની સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પણ હાલ બંધ થતા શેરી ગલીઓમાં કચરાના ગંજ ખડકાયેલા હોવાનો સનસનીખેજ આરોપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ લગાવ્યો છે.

મહેશ રાજ્યગુરુના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર તરફથી મોરબી નગરપાલિકાને મળેલા વાહનો પણ વણ વપરાયેલા બંધ હાલતમાં છે. વાહનોમાંથી પંપ અને ટાયરો ગુમ થયેલાના અહેવાલો આવી રહ્યા છે.મોરબી નગરપાલિકા પૈસાના વાકે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં શક્તિમાન નથી કારણકે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાજપ શાસિતનગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાથી ભરાયેલી તેજોરી ખાલી થઈ ગયેલ છે અને સીટી બસના કોન્ટ્રાક્ટરોને અને કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરોને બિલના નાણાં નહીં ચૂકવતા કામગીરી હાલ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે

- text

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, મોરબીની પ્રજાએ ભારતીય જનતા પક્ષને સંપૂર્ણબહુમતી આપેલી તેમ છતાં વહીવટી અણઆવડત અને વહીવટી જ્ઞાનના અભાવે અને ભ્રષ્ટાચારના કારણે આજે મોરબી શહેરને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી રોડ રસ્તાઓ ઉપર ઉભરાતી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે શેરી ગલીઓમાં અંધકાર છવાયો છે અને કચરાઓના ઢગલાઓ ખડકાઈ ગયા છે પ્રજાને એવું લાગે છે કે હવે નગરપાલિકા પ્રીમોનસુનની કામગીરી પણ કરી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

મોરબી શહેરની ટેક્સ ભરતી પ્રજા સરકારને અપીલ કરે છે કે નગર પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરી જવાબદાર પદાધિકારી અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ડોર ટુ ડોર કચરા કલેક્શન ફરી પાછી ચાલુ કરવામાં આવે તેવી માંગ મોરબી પ્રજા વતી ઉઠાવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ મૌકે પે ચૌકા જેવું નિવેદન આપતા ચકચાર જાગી છે.

- text