ઓનલાઈન ગેમમાં પોલીસ કોન્સ્ટેબલને થયું રૂ.24 લાખનું દેણુ, ગૃહમંત્રી પાસે મદદ માંગી

- text


મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસમેને દેણું વધતા ઘર પણ છોડ્યું, અંતે પોલીસે શોધી કાઢી કાઉન્સિલિંગ કર્યું

મોરબી : આજનું યુવાધન ઓનલાઇન ગેમમાં ગળાડૂબ બન્યું છે ત્યારે ખુદ પોલીસ પણ ઓનલાઇન ગેમના આકર્ષણથી બચી શકતી ન હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસમેન ઓનલાઇન ગેમના દલદલમાં ફસાઈ ગયા બાદ 24 લાખનું દેણું થઇ જતા ગૃહમંત્રીની મદદ માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઘર પણ છોડતા પોલીસે તેમને મહામહેનતે શોધી કાઢી કાઉન્સિલિંગ કરવું પડ્યું હતું.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને અરવલ્લીના પીપરાણા ગામનો મૂળ વતની નવઘણ ભરવાડ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમ રમતો હતો. આ ઓનલાઈન ગેમમાં તેને અગાઉ 8 લાખ રૂપિયાનું દેવુ થઈ ગયુ હતુ. 8 લાખનું દેવુ તો પરિવારના સભ્યોએ જેમ તેમ ભરી દીધુ હતુ. 8 લાખનું દેવુ ભરાઈ જતા નવઘણ ફરી એક વખત ગેમના રવાડે ચડી ગયો હતો અને ફરી એક વખત 24 લાખનું દેવુ કરી દીધુ હતુ. 24 લાખ જેટલી મસમોટી રકમનું દેવુ થઈ જતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ કર્યા થયા બાદ નવઘણે પોતાનો ફોન સ્વિચ ફોન કરીને ઘર છોડી દીધુ હતુ. નવઘણનો વાયરલ વીડિયો પોલીસ કર્મી પાસે પહોંચ્યો હતો અને નવઘણ કોઈ અઘટિત પગલુ ન ભરી બેસે તે માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓએ અલગ અલગ ટીમ બનાવીને નવઘણની તપાસ શરૂ કરી હતી. લોકોશનના આધારે પોલીસે નવઘણને મજરા નજીકથી શોધી કાઢ્યો હતો અને પરિવાજનોને સુપરત કર્યો હતો.

- text

વાયરલ થયેલા વીડિયોમાં નવઘણે કહ્યું હતું કે, હું નવઘણભાઈ, બક્કલ નંબર 733, નોકરી મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન, હું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહબેને એક રિક્વેસ્ટ કરવા માંગુ છે કે હું ઓનલાઈન ગેમમાં 24 લાખના દેવામાં ફસાઈ ગયો છું. કદાચ હું આપનો કર્મચારી છું, ભૂતકાળ પણ થઈ ગયો. સાહેબ હાલનો મારો પગાર 30 હજાર છે, હું દર મહિને 15 હજાર રૂપિયા ભરવા તૈયાર છું. સાહેબ મારી વિનંતી છે કે, મને આ દલદલમાંથી બહાર કાઢો. સાહેબ આપના સુધી મેસેજ પહોંચે તેવી આશા રાખુ છું, સાહેબ હવે હું થાકી ગયો છું.

આ અંગે જિલ્લા ડીવાયએસપી કે જે ચૌધરી કહે છે કે, અમે આ વીડિયો સામે આવ્યા પછી નવઘણ ભરવાડની શોધખોળ ચાલુ કરી હતી. સતત કાર્યવાહી ચાલતી હતી ત્યાં તેઓ અમને રખડતા મળી આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી, તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને આ બદીથી દૂર રહેવા સમજાવ્યા હતા. સાથે જ તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, જો કોઈ મારી મદદ નહીં કરે તો મારે મૃત્યુ સિવાય કોઈ આસરો નથી તો તેના માટે પણ અમે યોગ્ય વ્યવસ્થા કરી છે. સાથે જ તેમને ફરીથી આ પ્રકારની લતમાં નહીં પડવા કહ્યું છે.

- text