મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં તેજી-તેજી ! 15 એપ્રિલ સુધીના તમામ ટોકન બુક

- text


હળવદના સબ રજિસ્ટ્રારને મોરબીમાં વધારાની ફરજ સોંપાઈ : ચોથો સ્લોટ ખુલતાની સાથે અડધી કલાકમાં તમામ ટોકન બુક થઈ ગયા

મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નવા જંત્રી દર 15 એપ્રિલે લાગુ થવાના હોય એ પહેલાં જુના જંત્રી દર મુજબ દસ્તાવેજ નોંધાવવા પડાપડી કરતા હવે કામનું ભારણ વધવાથી સરકાર દ્વારા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હળવદના સબ રજિસ્ટ્રાર મુકાયા છે. બીજી તરફ ચોથો સ્લોટ ખુલતાની સાથે અડધી કલાકમાં તમામ ટોકન બુક થઈ ગયા છે અને છેલ્લી તા.15 એપ્રિલ સુધીના તમામ ટોકન બુક થઈ ગયા હોય હવે ટોકન ખલાસ થઈ ગયા છે.

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ આમ પણ સામાન્ય દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે. ત્યારે હવે 15 એપ્રિલથી નવા બમણા જંત્રી દર લાગુ થવાના હોવાથી જુના જંત્રી દર મુજબ દસ્તાવેજ બનાવવા માટે લોકોએ ભારે ધસારો કરતા સ્ટાફ ઉપર કામનું ભારણ વધ્યું છે. મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ ત્રણ સબ રજિસ્ટ્રાર છે. ત્યારે કામના વધુ ભારણને લઈને સરકાર દ્વારા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં વધારાના એટલે હળવદના સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે.

- text

જો કે અગાઉ દસ્તાવેજ નોંધણી માટે તમામ ટોકન બુક થઈ જતા એક મહિનાનું વેઇટિંગ આવતા બે દિવસ પહેલા ચોથો સ્લોટ ખોલવામાં આવ્યો હતો. ત્રણ સ્લોટમાં દરરોજના 162 ટોકન હોય જે તમામ 162 ટોકન બુક થઈ ગયા બાદ ચોથા સ્લોટ ખોલવામાં આવતા તમામ ટોકન માત્ર અડધી કલાકમાં જ બુક થઈ ગયા હતા. એટલે 15 એપ્રિલ સુધી ચોથા સ્લોટના તમામ ટોકન બુક થઈ જતા હજુ ઘણા બધા લોકો દસ્તાવેજ બનાવવા માટે બાકી રહી ગયા હોય હવે દરરોજ 215 જેટલા દસ્તાવેજ થાય છે. હાલના સંજોગોમાં મોરબીમાં સૌથી વધુ દસ્તાવેજ નોંધણી માટે ધસારો થતા હવે સ્ટાફ પણ ટૂંકો પડ્યો છે.

 

- text