નર્મદે સર્વદે ! મોરબીના ત્રણ વૃદ્ધોએ પૂર્ણ કરી 3600 કિલોમીટર લાંબી નર્મદા પદયાત્રા

- text


એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર સતત ચાર મહિના સુધી પગપાળા ચાલી જરૂર પડ્યે ભિક્ષા માંગી માતા નર્મદાની પરિક્રમા કરી

મોરબી : આજના સમયમાં યુવાનોને એક કિલોમીટર જેટલું નાનું અંતર કાપવું હોય તો પણ એક્ટિવા કે બાઈક વગર ચાલતું નથી ત્યારે મોરબીના જોધપર અને લજાઈ ગામના ત્રણ વૃદ્ધોએ યુવાનોને પણ શરમાવે તેવું સાહસ ખેડી સતત ચાર મહિના સુધી પદયાત્રા કરી 3600 કિલોમીટર લાંબી લોકમાતા નર્મદા મૈયાની પરિક્રમા ગઈકાલે પૂર્ણ કરી છે, નોંધનીય છે કે 3600 કિલોમીટર લાંબી પદયાત્રા દરમિયાન આ વૃદ્ધોએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી, રસ્તામાં આવતા આશ્રમો, ધર્મસ્થાનોમાં રોકાઈ જરૂર પડ્યે ભિક્ષા માંગી ભોજન કરી આ કઠિન યાત્રા તેઓએ પૂર્ણ કરી હતી.

ગીરનારની પરિક્રમાની જેમ જ લોકમાતા નર્મદા મૈયાની પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે જો કે, અતિ કઠિન ગણાતી અને 3600 કિલોમીટર લાંબી આ પરિક્રમા ભાગ્યે જ લોકો કરતા હોય છે, સામાન્ય રીતે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદામૈયાની ટૂંકી પરિક્રમા કરતા હોય છે પરંતુ યુવાનો જેવો જોમ જુસ્સો ધરાવતા જોધપર ગામે રહેતા નાથાભાઈ બરાસરા અને તેમના ભાઈ ચતુરભાઈ બરાસરા તેમજ લજાઈ ગામે રહેતા ડાયાલાલ પટેલે નર્મદામૈયાની કઠિન ગણાતી 3600 કિલોમીટર લાંબી પદયાત્રા કરવાનું નક્કી કરી 10 ડિસેમ્બર 2022ના રોજ ઓમકારેશ્વર ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરી ગઈકાલે તા.10 માર્ચના રોજ પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના આ ત્રણેય શ્રદ્ધાળુઓએ સતત ચાર મહિના સુધી દરરોજ 20થી 30 કિલોમીટરનું જંગલ, નદી-નાળા,પહાડ, સહિતના રસ્તાઓ પરથી પસાર થઈ પદયાત્રા પૂર્ણ કરી હતી અને પદયાત્રા દરમિયાન એકપણ રૂપિયાનો ખર્ચ કરવાને બદલે રસ્તામાં આવતા ધર્મસ્થાન, આશ્રમ અને ગામોમાં આશ્રય મેળવ્યો હતો અને ક્યારેક ભિક્ષા માંગીને પણ ભોજન કર્યું હોવાનું નાથાભાઈ બરાસરા, ચતુરભાઈ બરાસરા અને ડાયાલાલ પટેલે જણાવ્યું હતું.

આ અગાઉ અડગ મનના ત્રણેય મિત્રોએ મોરબીથી દ્વારકા, પાવાગઢ, જૂનાગઢ સહિતના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા અને પદયાત્રા કરી ચુક્યા છે ત્યારે ગતવર્ષે લોકમાતા નર્મદા મૈયાની પદયાત્રા કરવાનું નક્કી કરી આ કઠિન ગણાતી યાત્રાને સફળતા પૂર્વક પૂર્ણ કરતા લજાઈ તેમજ જોધપર ગામે આ સાહસિક પદયાત્રિકોને વધાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

- text