હળવદ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરે 21થી 25 ફેબ્રુઆરી પાટોત્સવ યોજાશે

- text


હળવદ: 175 વર્ષ જૂના હળવદના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર (જૂનું ટાવરવાળું) ખાતે આગામી તારીખ 21 થી 25 ફેબ્રુઆરીના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના પંચ દીનાત્મક વાર્ષિક પાટોત્સવમાં વક્તા શાસ્ત્રી ભક્તિ નંદનદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે. કથા દરરોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન તેમજ રાત્રે 8 થી 11 કલાક દરમિયાન યોજાશે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય તારીખ 21ના રોજ સાંજે 4 કલાકે થશે. તેમજ ભક્તિ હરિદાસજી સ્વામી અને ધર્મજીવનદાસજી સ્વામી મંગલ ઉદબોધન કરશે. મુળીધામના અનેક સંતો પધારશે. આ સાથે ભુજ ધામથી મહંત સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞાથી સંત મંડળ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદ ધામના પણ સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. આ વાર્ષિક પાટોત્સવમાં અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ હાજરી આપશે.

કથામાં પ્રથમ દિવસે સમૂહ મહાપુજા, બીજા દિવસે સમૂહ પારાયણ, સમૂહ પૂજન તેમજ સમૂહ આરતી, ત્રીજા દિવસે 12 કલાકની શ્રી સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન તેમજ ચોથા દિવસે હોમાત્મક મહા પૂજા યોજાશે. આ ઉપરાંત દરરોજ વિવિધ ફળો, ચોકલેટ, વિવિધ શાકભાજી, ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરવામાં આવશે. દરરોજ સવારે 8:30 થી 9 કલાકે ધુન કીર્તન યોજાશે. કથા અંતર્ગત રાત્રિ ઉત્સવમાં પ્રથમ દિવસે ઘનશ્યામ જન્મોત્સવ, બીજા દિવસે નીલકંઠ વર્ણીરાજનો દિવ્ય અભિષેક, ત્રીજા દિવસે સહજાનંદ સ્વામી મહારાજનો ભવ્ય હિંડોળા મહોત્સવ, પૂજન ઉત્સવ, ચોથા દિવસે સમૂહ મહા આરતી યોજાશે અને પટોત્સવનું સમાપન 25 ફેબ્રુઆરીના રોજ થશે.

- text

- text