આ જીત મતદારો અને કાર્યકર્તાઓની, તેમનું વળતર ચૂકવવા 18 કલાક કામ કરીશ : કાંતિલાલ

- text


વાંકાનેરમાં જીતુભાઇ મર્દ માણસ, ટંકારામાં દુલાભાઈ રેડી માણસ, હળવદમાં પ્રકાશ તો તોડી નાખે એવો અને જોડિયામાં મેઘજીભાઈ, હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે એમાંય હું ડ્રાઇવર એટલે હવે કઈ ઘટવા નહિ દઉં

જયંતીલાલ મારા બનેવી જ થાય, ઘણી વખત મારી સામે હાર્યા છે આ વખતે તો મને દયા આવી ગઈ : કાંતિલાલે રમૂજ પૂર્વક હરીફ ઉમેદવારની હારને દર્શાવી તેમની ખેલદિલીને બિરદાવી

મોરબી : આ જીત મારી નથી, મોરબી- માળિયા બેઠકના મતદારો અને કાર્યકર્તાઓની છે. હવે તેમનું વળતર ચૂકવવા હું 18 કલાક કામ કરીશ. તેમ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ જાહેર થયા બાદ આયોજિત વિજયસભામાં જણાવ્યું હતું.

મોરબી- માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાનો 62 હજારની જંગી લીડથી વિજય થયો છે. પરિણામ બાદ તેઓએ વિજયસભાને સંબોધી હતી. આ વેળાએ તેઓએ જણાવ્યું હતું કે અમે કોઈ ધામધૂમથી ઉજવણી કરવાના નથી. સાદાઈથી જ આવતીકાલે મચ્છુ માતાના મંદિરે હવન કરીને આ જીતની ઉજવણી કરવાના છીએ.

તેઓએ ઉમેર્યું કે આ જીત મારી નથી. આ જીતતો કાર્યકર્તાઓ અને મતદારોની છે. મારે તો કામ જ કરવાનું છે. અમને તો વિચાર પણ ન હતો કે 62 હજારની લીડથી જીતીશુ. અમારા લાખાભાઈ 51 હજારની લીડ કહેતા હતા તે પણ ખોટા પડ્યા છે. મતદારોનો જુવાળ અભૂતપૂર્વ હતો. આનું વળતર ચૂકવવા હું 24 કલકમાંથી 18 કલાક કામ કરીશ. તેની ખાતરી આપું છું.

કાંતિલાલે વધુમાં કહ્યું કે બધી જ્ઞાતિએ દૂધમાં સાકળની જેમ ભળીને આવી જંગી લીડ આપી છે. હવે હું ગામોના રસ્તા, પાણીની વ્યવસ્થા, ગાર્ડન બનાવવા, રિંગ રોડ બનાવવા સહિતના વિકાસ કામોને વેગ આપીશ.

વધુમાં તેઓએ ઉમેર્યું કે વાંકાનેરમાં જીતુભાઇ મર્દ માણસ, ટંકારામાં દુલાભાઈ રેડી માણસ, હળવદમાં પ્રકાશ તો તોડી નાખે એવો અને જોડિયામાં મેઘજીભાઈ, હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે એમાંય હું ડ્રાઇવર છું એટલે હવે કઈ ઘટવા નહિ દઉં.

અંતમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલનો આભાર માન્યો હતો. સાથે રમૂજ પૂર્વક જણાવ્યું હતું કે હરીફ ઉમેદવાર જયંતીભાઈ પટેલ મારા બનેવી થાય. તેઓ ઘણી વખત મારી સામે હાર્યા છે પણ આ વખતે તો મને દયા આવી ગઈ હતી. અને હવે દૂધમાં સકળ ભળે તેમ ભળી પણ જશે.

અમારી ઓફિસમાં 30 વર્ષમાં એક રૂપિયાનો વહીવટ નથી થયો

કાંતિલાલે કહ્યું કે અમારી ઓફિસમાં છેલ્લા 30 વર્ષમાં એક રૂપિયાનો વહીવટ નથી થયો જેનો મને મારા માણસો ઉપર ગર્વ છે. બાકી કાર્યકર્તાઓ 20 ટકા કે 30 ટકાવાળા કામો કરતા હોય છે. પણ હવે હું કહું છું આવા કામોનો સંકેલો કરી લેજો. હરામના પૈસા લેવા સારા નથી. અહીં જ ચૂકવા પડે છે.આપણને રખોપુ કરવા પ્રજા મત આપે છે.

ઉદ્યોગકારો, ડોકટરો, વકીલો સહિતનાએ આખું વાતાવરણ બનાવ્યું

કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે તેઓએ બુદ્ધિજીવીઓનું સંમેલન યોજયું હતું. જેમાં 2000 જેટલા ઉદ્યોગકારો, ડોકટરો, વકીલો, સીએ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે આખા જિલ્લાનું વાતાવરણ બનાવ્યું અને જિલ્લાની તમામ સીટ ભાજપને મળી. હું આ તમામને અભિનંદન પાઠવું છું.

રોડની ડિઝાઇન હવે ફેરવવી પડશે

કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે હવે રોડની ડિઝાઇન ફેરવવી પડશે. આખા રાજ્યમાં રોડ બનાવવા માટેના જે ક્રાઇટ એરિયા છે તે મોરબીમાં લાગુ ન પડે. કારણકે અહીં તો 100 ટનના વાહનો આવે છે. પછી રોડ ગમે તેટલી વાર બનાવીએ તૂટી જ જાય ને.

- text

અહીંના ઉદ્યોગોને સરકાર તરફથી તમામ સ્પોર્ટ મળશે

કાંતિલાલે જણાવ્યું કે મોરબીથી 135 દેશોમાં માલ જાય છે. સેંકડો લોકોને એનાથી રોજગારી મળે છે. એટલે અહીંના ઉદ્યોગોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સરકાર તરફથી તેમને તમામ સ્પોર્ટ મળશે તેની હું ખાતરી આપું છું. વેપારીઓને પણ જાહેરમાં કહું છું. તમારા કોઈ પણ પ્રશ્ન હશે અમે સાથે મળીને હલ કરીશું.

સહકારી સંગઠનમાં ફેરફાર કરીશું

કાંતિલાલે સૂચક રીતે એક જૂથ ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે સહકારી સંગઠનમાં ફેરફાર કરીશું. હું આના ભેગો છું. હું તેના ભેગો છું. એવું સંગઠનમાં ન ચાલે. આપણે જયેશભાઈ અને દિલીપભાઈને કહી દેશું. અને સહકારી સંગઠનમાં જરૂરી ફેરફાર કરીશું.

કાઈ ખોટા કામ થતા હોય મને ખાલી એક ફોન કરી દેજો, હું જોઈ લઈશ

કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ક્યાંય પણ લઈ ખોટા કામ થતા હોય, પાવડર વેચાતો હોય કે પેટી ઉતરતી હોય કે અન્ય કોઈ ગેરકાનૂની કામ થતા હોય મને કહી દેજો. ફોન કરજો કે કાગળ લખજો.હું ક્યાંય નામ જાહેર નહિ કરું. ગેરકાનૂની પ્રવૃત્તિ તુરંત બંધ કરાવીશ. હું કહીશ એટલે પોલીસ આળસ નહિ કરે.

મોરબીમાં હવે પ્રજાની સરકાર

કાંતિલાલે જણાવ્યું કે દેશમાં વડાપ્રધાન મોદીની સરકાર છે.અને હવે એમના લીધે મોરબીમાં પ્રજાની સરકાર છે. એટલે પ્રજાનું જ રાજ છે. શાંતિથી ધંધા- રોજગાર કરજો. હવે આપણે સાચી દિશામાં સારો વિકાસ કરવાનો છે.

માળિયામાં આગેવાનો ઈચ્છે તો 5 વર્ષમાં 100 કારખાના શરૂ કરાવું

કાંતિલાલે કહ્યું કે માળિયા પાસે રેલવે લાઈન છે. પોર્ટ છે. તે વિકાસ કરવા સક્ષમ છે પણ અમુક આગેવાનો કારણે તેનો વિકાસ થઈ શક્યો નથી. જો આ આગેવાનો ઈચ્છે તો હું 5 વર્ષમાં 100 કારખાના લાવી શકું તેમ છું. જેથી ત્યાંના લોકોને રોજીરોટી મેળવવા દૂર ન જવું પડે.

- text