સ્મૃતિ ઈરાનીએ પ્રકાશભાઈ વરમોરાની જીતનો 101 ટકા વિશ્વાસ વ્યકત કર્યો

- text


ધ્રાંગધ્રામાં સ્મૃતિ ઈરાની ગાંધી પરિવાર પર ધોધમાર વરસ્યા 

દિલ્હીના CMનું નામ લીધા વગર “રેવડીવાલ”થી ઓળખાવતા લોકોએ ઇરાનીને તાળીઓથી વધાવ્યા 

ધ્રાંગધ્રાના ગ્રીનચોકમાં કેન્દ્રીય મંત્રી ઈરાનીને સાંભળવા ઉમટ્યો જન-સૈલાબ: મહિલાઓની વિશેષ ઉપસ્થિતિ 

ધ્રાંગધ્રા વેપારી સંગઠનના સંમેલનમાં ભાજપને સમર્થનનો કોલ આપતા તમામ ક્ષેત્રના વેપારીઓ

મોરબી : ચૂંટણીનો પ્રચાર પૂરો થવાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાની જીત નિશ્ચિત હોય એવો માહોલ રવિવારે જોવા મળ્યો હતો. ગ્રીનચોકમાં હકડેઠઠ માનવમેદની વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સાંભળવા એકત્રિત થયેલી ભારે ભીડ વચ્ચે ઈરાનીએ વરમોરાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેને જનતા જનાર્દને હર્ષોલ્લાસથી ઝીલી લીધો હતો. આ સભામાં મહિલાઓની સંખ્યા ભર બપોરે પણ વિશેષ રહી હતી. સભામાં આઈ કે જાડેજાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ગુજરાતને આગળ ન આવવા દેવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે સ્મૃતિ ઈરાનીએ માં (સોનિયા ગાંધી), પુત્ર (રાહુલ ગાંધી), પુત્રી (પ્રિયંકા વાડરા) જમાઈ (રોબર્ટ વાડરા) અને રેવડીવાલ (અરવિંદ કેજરીવાલ) સમજી શકે એ માટે હું વચ્ચે વચ્ચે હિન્દી બોલીશ એમ જણાવી ગુજરાતીમાં આપેલા ભાષણ વચ્ચે હિન્દીમાં પણ પ્રવચન આપ્યું હતું.

ઈરાનીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ અધ્યક્ષને હરાવીને યુપીની બહાર મોકલ્યા છે ત્યારથી તેઓ બહાર જ ફરી રહ્યા છે. રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમણે જણાવ્યું હતું કે, બાબલાની પદયાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારા ગુંજે છે ઉત્તર પ્રદેશમાં જીતના દાવા કરતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા તેને ભૂલીને તેઓ ગુજરાતમાં ચૂંટણી જીતવાના સપના જુએ છે, એમ જણાવી તેમણે અરવિંદ કેજરીવાલ ઉપર પણ પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલ અને કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં બેઠા બેઠા આ લોકો ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે બિલકુલ શરમ રાખ્યા વગર મત માગવા દોડી આવે છે.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે નર્મદા યોજના પૂરી કરવા માટે કોંગ્રેસે હંમેશા એડી ચોટીનું જોર લગાવ્યું એ જ આજે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે બાબલો (રાહુલ ગાંધી) નર્મદા મૈયાની આરતી ઉતારી રહ્યો છે. નર્મદા યોજના જ્યારે અટકાવેલી હતી ત્યારે કેમ ગાંધી પરિવારના કોઈ વ્યક્તિને નર્મદાની આરતી ઉતારવાનું યાદ ન આવ્યું તેમ જણાવીને સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સનાતન હિંદુ ધર્મમાં માનતા નથી. મંદિરમાં જવા માટે મહિલાઓને મનાઈ કરે છે અને હદ તો ત્યારે થઈ જાય જ્યારે ભારતના વડાપ્રધાનના બુજુર્ગ માતાને તેઓ ગાળો આપે છે. ભારતના રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ વિરોધ પક્ષના એક પણ નેતાએ વડાપ્રધાનના માતાને ગંદી ગાળો આપી નથી. આવા આમ આદમીના ઉમેદવારને જો ચુંટીને મોકલશો તો આપણી માતા બહેનોની તેઓ શું હાલત કરશે તે સમજી શકાય તેવું છે.

કોંગ્રેસ ઉપર વધુ પ્રહાર કરતાં સ્મૃતિ ઈરાનીએ આગળ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર ભાવ વધારાની, મોંઘવારીની બૂમો પાડે છે પણ 2014માં ગાદી છોડતા પહેલા મનમોહનસિંહે એવું જાહેરમાં કહ્યું હતું કે હું એકસો ચાલીસ હજાર કરોડનું (બિલ) દેવું મૂકીને જાઉં છું જે હાલ નરેન્દ્ર દામોદરદાસ મોદી ભરી રહ્યા છે તેમ ઈરાનીએ જણાવીને ઉમેર્યું હતું કે હાલની મોંઘવારી માટે કોંગ્રેસની નિષ્ફળ આર્થિક નીતિ જવાબદાર છે જે સ્થિતિમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ.

કોરોનાકાળનો ઉલ્લેખ કરતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, જો કોંગ્રેસની સરકારમાં કોરોના જેવી ભયંકર મહામારી આવી હોત તો આજે જે 600 રૂપિયાની વેક્સિનનો ડોઝ અને બીજો કે ત્રીજો ડોઝ કે જે દરેક ભારતીયોને મફત મળ્યો છે તે મળવાની સંભાવના બિલકુલ ન હતી. માટે જ કહું છું કે કોંગ્રેસને કે આમ આદમીને પાર્ટીને મત આપવો એ આપનો પવિત્ર અને કીમતી મત વેડફવા બરાબર છે.

દિલ્હીના જેલ મંત્રી સત્યેન્દ્ર જૈન વિશે તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને પારદર્શક વહીવટનો વાદો કરતા “રેવડીવાલ”ના મંત્રી જેલની અંદર રાજાશાહી સગવડો ભોગવી રહ્યા છે અને એક એવો આરોપી કે જેમણે તેની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું છે એની પાસે તેલ માલિશ કરાવી રહ્યા છે. જેના વિડીયો ટીવી ચેનલમાં અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવા વ્યક્તિને ગુજરાતની જનતા ક્યારેય મત નહીં આપે તેવો મને વિશ્વાસ છે એમ કહીને સ્મૃતિ ઈરાનીએ પ્રકાશભાઈ વરમોરાને પ્રચંડ બહુમતી જીત અપાવવાની મતદારોને અપીલ કરી હતી.

આજે રવિવારે લગ્નસરાની ભારે સીઝન વચ્ચે ભાજપના ઉમેદવાર વરમોરાએ તેમનો ચૂંટણી પ્રવાસ યથાવત રાખ્યો હતો. ગામડાઓમાં ઠેરઠેર કુવારિકાઓએ કુમકુમ તિલકથી વરમોરાનું સ્વાગત-સામૈયું કર્યું હતું. ઘોડી પર બેસાડી ભાજપની જીતના જશ્નનું જાણે રિહલ્સલ હોય તેવા માહોલ વચ્ચે યુવા-યુવતીઓએ પ્રકાશભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.

- text

યુવાઓનો પ્રચંડ સ્નેહ જોતા વરમોરાએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગામડાના યુવા-યુવતીઓને ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યો પર ભરોસો છે ત્યારે ડબલ એન્જીનની સરકાર તેમના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવવાના તમામ પ્રયાસો કરશે. યુવાઓમાં તેવો ભરોસો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને તમામ ગામોમાંથી જે રીતે ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે ત્યારે મારી થનારી જીતનો સઘળો શ્રેય જનતા-જનાર્દનને હું અત્યારથી જ આપું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રમાં અને ભુપેન્દ્રભાઈ ગુજરાતમાં જ્યારે હોય ત્યારે યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ જ હોવાનું વરમોરાએ ભારપૂર્વક જણાવ્યું હતું.

- text