મોરબી જિલ્લામાં 2016 બાદ કોંગ્રેસ મજબૂત બની, તો 2020થી ફરી ભાજપનો જાદુ ચાલ્યો

- text


મોરબી જિલ્લામાં 2017માં પાટીદાર અનામત આંદોલને ભાજપને સંપૂર્ણપણે સતાવિહોણી કરી દીધેલી : 2020 બાદ ફરીથી ભાજપનો જાદુ ચાલ્યો ! મોરબીમાં પાલિકા, પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો

મોરબી : ભાજપનો ગઢ ગણાતા મોરબીમાં વર્ષ 2017 પાટીદાર ફેક્ટરે એવી જબરદસ્ત અસર કરી હતી કે, ભાજપને મોરબીમાં સંપૂર્ણપણે સતાવિહોણી કરી દીધી હતી. જેમાં મોરબી વિધાનસભા બેઠક ઉપરાંત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતને પાટીદાર ફેક્ટરે ભાજપ પાસેથી આચકી કોંગ્રેસના ખોળે ઘરી દીધી હતી. પણ 2020ની પેટા ચૂંટણીમાં ભાજપે ગુમાવેલ મોરબી વિધાનસભા બેઠક હસ્તગત કરવાની સાથે કોંગ્રેસ પાસે રહેલી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતને પણ આચકી લઈ ફરી મોરબીનો ગઢ જાળવી રાખ્યો હતો. વર્ષ 2021માં તો ભાજપનો એવો જાદુ ચાલ્યો કે મોરબી નગરપાલિકામાં અને પંચાયતોમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી દીધો હતો.

વર્ષ 1995થી 2012 સુધી મોરબી વિધાનસભા સભા બેઠક અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એકચક્રી શાસન કરનાર ભાજપને પાટીદાર અનામત આંદોલને એવો જબરદસ્ત આઘાતજનક આંચકો આપ્યો હતો કે મોરબીમાં ભાજપનું નામોનિશાન મિટાવી દીધું હતું. જેમાં પાટીદારોના આક્રોશ અને નારાજગીની ભાજપને બહુ મોટી કિંમત ચૂકવવી પડી એટલે ભાજપ પાસેથી વર્ષ 2017માં મોરબી વિધાનસભા બેઠક, નગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતમાં સતા ગુમાવવાની નોબત આવી હતી. આથી કોંગ્રેસને બગાસું ખાતા પતાસું આવી ગયું હોય એમ મોરબી વિધાનસભા બેઠક, નગરપાલિકા અને જિલ્લા, તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતીથી સતા સ્થપાઈ ગઈ હતી. પણ કોંગ્રેસના આંતરિક જુથવાદ અને સતાની સાઠમારીને કારણે કોંગ્રેસ આ સતાઓ લાંબો સમય પંચાવી શકી ન હતી.એનો ભરપૂર ફાયદો ભાજપે ઉઠાવી અને સમય જતાં પાટીદારોનો રોષ પણ શાંત પડ્યો હોય પોતાના તરફી મોજું ઉભું કરી મોરબીમાં ફરી તમામ રીતે સતાઓ કબ્જે કરવા ભાજપે સશક્ત વ્યૂહરચના ઘડી કાઢી હતી.

- text

ભાજપની જબરદસ્ત વ્યૂહ રચના હેઠળ જ વર્ષ 2020માં સતા પરિવર્તન આવ્યું હતું. જેમાં કોંગ્રેસના તે વખતના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અચાનક જ ભાજપમાં જોડતા 2020માં આવી પડેલી પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાને મોકો આપી ફરી મોરબી વિધાનસભા બેઠક કબ્જે કરી હતી. એટલું જ નહીં વર્ષ 2020-21 વચ્ચે આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. આમ 2017માં ગુમાવેલી મોરબીની તમામ સતાઓ 2020થી એક પછી એક એમ બધા જ સ્થાનો ભાજપે કબ્જે કરીને સતા પુનઃ સ્થાપિત કરતા હવે કોંગ્રેસ સતાવિહોણી બની ગઈ છે.

મોરબી વિધાનસભા બેઠક, મોરબી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત હાલ ભાજપ પાસે હોય મોરબીના ભાજપ અગાઉની જેમ ફરી સર્વ સત્તાધીશ થઈ ગયું છે.જો કે મોરબી નગરપાલિકા ચૂંટણીમાં તો ભાજપનું મોજું એટલી હદે ફરી વળ્યું કે, મોરબીના ઇતિહાસ સૌ પ્રથમ વખત મોરબી પાલિકા ભાજપે કોંગ્રેસ વિરોધ પક્ષમાં પણ બેસવાનો મોકો આપ્યો નથી. પાલિકાની તમામ 52 બેઠકો ભાજપે કબ્જે કરી લેતા કોંગ્રેસનો વ્હાઈટવોશ થયો છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પાસું મજબૂત ગણાતું હોય કોંગ્રેસ ફરી સતા મેળવવા સફળ થશે કે કેમ તે જોવાનું રહ્યું.

- text